બ્રિટિશ તાજ- રાજદંડમાં જડેલા હીરા પરત કરોઃ સાઉથ આફ્રિકાની માગ

Tuesday 09th May 2023 16:13 EDT
 

જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાની સરકારે કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશી વેળાએ સદી કરતાં વધુ સમયથી રાજદંડને શોભાવી રહેલા વિશ્વના સૌથી મોટા હીરા અને બ્રિટિશ સામ્રાજ્યની લૂંટફાટ અને જુલ્મનું પીડાકારી પ્રતીક બની રહેલા ‘સ્ટાર ઓફ આફ્રિકા’ને પરત સોંપવા બ્રિટિશ રાજાશાહી સમક્ષ માગણી કરી છે.

530 કેરેટનું વજન ધરાવતો આ ડાયમન્ડ 1905માં સાઉથ આફ્રિકાની ખાણમાંથી શોધાયો હતો અને બ્રિટિશ શાસન હેઠળની દેશની તત્કાલીન સંસ્થાનવાદી સરકાર દ્વારા 1907માં બ્રિટિશ રાજવી એડવર્ડ સાતમાને ભેટ ધરવામાં આવ્યો હતો. પ્રીટોરિયા નજીકની ખાણમાંથી 3,100 કેરેટ વજનનો હીરો કુલિનાન શોધાયો હતો જેમાંથી કુલિનાન- I કાપીને બ્રિટિશ રાજદંડમાં અને કુલિનાન- II હીરાને બ્રિટિશ તાજમાં જડાયો હતો. ચોક્કસ પ્રસંગો અને વિધિઓ દરમિયાન બ્રિટિશ રાજવીઓ તેને ધારણ કરે છે. ઉલ્લેખનીય છે કે માનવીના હાથની મુઠ્ઠીના કદના કુલિનાન હીરાની પ્રતિકૃતિ કેપ ટાઉન ડાયમન્ડ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાઈ છે.

સંસ્થાનવાદી સમયમાં લૂંટાયેલા કળાનમૂનાઓ અને ચિત્રો પરત કરવાની માગણીઓ સર્વત્ર થઈ રહી છે ત્યારે જોહાનિસબર્ગના લોયલ એને કર્મશીલ મોથુસી કામાન્ગાએ હીરા પરત મેળવવા ઓનલાઈન પિટિશન શરૂ કરી છે જેને 8000 જેટલી સહી મળી છે. કામાન્ગાએ જણાવ્યું છે કે,‘આ ડાયમન્ડ સાઉથ આફ્રિકા આવવો જોઈએ. તે આપણા ગૌરવ, આપણા વારસા અને આપણી સંસ્કૃતિની નિશાની બની રહેવો જોઈએ. આફ્રિકન લોકો હવે સમજવા લાગ્યા છે કે સંસ્થાનવાદમાંથી મુક્તિનો અર્થ લોકોને કેટલીક આઝાદી આપવાનું જ નથી પરંતુ, જે આપણી પાસેથી છીનવી લેવાયું છે તે પાછું મેળવવાનું પણ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter