નાઈરોબીઃ કેન્યાના માલિન્ડીની હાઈ કોર્ટે 12 વર્ષ અગાઉ બ્રિટિશ પર્યટક ડેવિડ ટેબ્બુટની હત્યામાં કેન્યાના નાગરિક અલી કોલોલોને કરાયેલી સજાને અયોગ્ય અને પુરાવા આધારિત ન હોવાનું ગણાવી રદ કરી હતી. કોલોલોને ચાંચિયાઓની ગેંગનો હિસ્સો ગણી તેને સજા કરાઈ હતી. આ ગેંગે 2011માં ટેબ્બુટ અને તેની પત્ની જ્યુડિથ પર હુમલો કર્યો હતો. ટેબ્બુટની હત્યા કરાઈ હતી જ્યારે જ્યુડિથને સોમાલિયામાં છ મહિના બંધક રખાઈ હતી. કિલોલોની સજા રદ કરાતા જ્યુડિથ ટેબ્બુટે આનંદ વ્યક્ત કર્યો હતો.
બ્રિટિશ પર્યટકો ડેવિડ અને તેની પત્ની જ્યુડિથ ટેબ્બુટ કેન્યા-સોમાલિયાની સરહદે ઉત્તર તટપ્રદેશના લામુ વિસ્તારના લક્ઝરી બીચ રિસોર્ટમાં રજાઓ ગાળી રહ્યા હતા ત્યારે સપ્ટેમ્બર 2011માં બંદૂકધારીઓએ તેમના પર હુમલો કર્યો હતો. ટેબ્બુટની હત્યા કરી જ્યુડિથને સોમાલિયા લઈ ગયા હતા. અહેવાલો મુજબ તેના પુત્રે 800,000 ની બાનની રકમ ચૂકવ્યા પછી જ્યુડિથને મુક્ત કરાઈ હતી. પોતાને નિર્દોષ ગણાવતા કિલોલોને 2013માં મૃત્યુદંડની સજા કરાઈ હતી જે પાછળથી આજીવન કેદમાં ફેરવાઈ હતી.