નવી દિલ્હી, દારેસલામઃ ભારતે આફ્રિકા ખંડમાં પોતાની વગ અને હિન્દ મહાસાગરમાં હાજરી વધારવાના ભાગરૂપે આફ્રિકન દેશો સાથે અત્યાર સુધીની સૌથી મોટી સંયુક્ત નૌસેના કવાયત આદરી છે જેનું ઉદ્ઘાટન ભારતના નાયબ ડિફેન્સ મિનિસ્ટર સંજય શેઠના હસ્તે કરાયું હતું. ટાન્ઝાનિયાના સહકારથી આરંભાયેલી છ દિવસીય કવાયતમાં કેન્યા, માડાગાસ્કર, મોરેશિયસ અને સાઉથ આફ્રિકા પણ ભાગ લઈ રહ્યા છે. ભારતીય અધિકારીઓના જણાવ્યા મુજબ હાર્બર ફેઝ અને સી ફેઝ સાથેની કવાયત દ્વિવાર્ષિક ઘટના બની રહેશે.
લશ્કરી વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ કવાયત મહાસાગરમાં ચાંચિયાવિરોધી પ્રયાસો વધારવા સહિત દરિયાઈ ઓપરેશન્સમાં વધુ નિર્ણાયક ભૂમિકા તેમજ આફ્રિકા ખંડના દેશો સાથે સંબંધો મજબૂત બનાવવાના ભાગરૂપે છે. હિન્દ મહાસાગરમાં ચીને પોતાની વેપારી અને લશ્કરી વગ વધારી દીધી છે તેનો સામનો કરવા તથા રશિયા, તુર્કી અને યુનાઈટેડ આરબ એમિરેટ્સની સ્પર્ધા સામે ભારત માટે આ કવાયત જરૂરી છે.
ભારતીય નૌસેનાની ચાંચિયાવિરોધી ઓપરેશન્સની ભૂમિકા વધી રહી છે જેના પરિણામે, ભારત પ્રાદેશિક સુરક્ષા સત્તા તરીકે બહાર આવી રહ્યું છે. પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ગત મહિને મોરેશિયસની મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ નૌકાદળને હિન્દ મહાસાગરમાં પસંદગીના સિક્યુરિટી પાર્ટનર અને પ્રથમ રિસ્પોન્ડર તરીકેની પ્રતિષ્ઠા નક્કર બનાવવા ઈચ્છે છે.