અબુજાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાઇજીરિયા પ્રવાસ વેળાં અહીં વસતા ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાને ભારતીય સમુદાયને સંબોધતા છેલ્લા દાયકામાં ભારતમાં થયેલા ધરખમ પરિવર્તનો તેમજ દેશની વિકસિત ભારત તરફની યાત્રાને રેખાંકિત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત હાલ વૈશ્વિક સ્તરે વિકાસ, શાંતિ, સમૃદ્ધિ અને લોકશાહીનું પ્રતીક છે.
પોતાના સંબોધનની શરૂઆત સત્તૂ નાઈજીરિયાથી કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે વડાપ્રધાન તરીકે નાઇજીરિયાની આ મારી પહેલી યાત્રા છે અને હું મારી સાથે ભારતીય ધરાની સોડમ અને ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યો છું. વડાપ્રધાને કહ્યું હતું કે ભારત પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યું છે અને તે હવે ઈનોવેશનને અપનાવી રહ્યું છે. વિકાસ અને પ્રગતિ માટે નવા પંથનું સર્જન કરી રહ્યું છે જે આજે દેશની ઓળખના પ્રતીક બન્યા છે. વિશ્વાસથી ભરપૂર ભારત એક નવી યાત્રાએ નીકળ્યું છે અને તેનું લક્ષ્ય સ્પષ્ટ છે. અમે વિકસિત ભારતનું નિર્માણ કરવા માગીએ છીએ. વડાપ્રધાને સાથે જ ભારતની પ્રગતિની વાત કરી હતી અને કહ્યું હતું કે ભારતની સંરક્ષણ નિકાસ 30 ગણી વધી છે. મોદી રવિવારે અબુજા એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારે તેમને આવકારવા મોટી સંખ્યામાં ભારતીયો હાજર હતા. ભારતીયોએ ‘ભારત માતાની જય’ અને ‘વંદે માતરમ’નાં સૂત્રો પોકારીને લોકલાડીલા વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.
‘ભારતીયો ક્યારેય સંસ્કારવારસો ભુલતાં નથી’
અબુજામાં ભારતીયોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતીયો ભલે કોઇ પણ દેશમાં જઇને વસવાટ કરે, પરંતુ પોતાનો સંસ્કારવારસો ક્યારેય ભુલતાં નથી. ભારત-નાઇજીરિયાની પાસે લોકશાહી અને ડાયવર્સિટીની સમાનતા છે. આપણે બંને દેશની પાસે ડેમોગ્રાફીની ઉર્જા પણ છે. ભારતીય કંપનીઓ નાઇજીરિયાની અર્થતંત્રને તાકત પુરી પાડી રહી છે. આ ભારતીયો માટે મોટી સફળતા છે.