અબુજા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશના પ્રવાસના ભાગરૂપે રવિવારે નાઇજીરિયા પહોંચ્યા હતા. નાઈઝિરિયામાં પીએમ મોદીનું ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈઝર' એવોર્ડથી સન્માન કરાયું હતું. આ નાઇજીરિયાનો બીજો સૌથી મોટો રાષ્ટ્રીય એવોર્ડ છે. નાઇજીરિયાના પ્રમુખ બોલા ટિનુબુના હસ્તે એવોર્ડ સ્વિકારતાં પીએમ મોદીએ કહ્યું કે આ માત્ર તેમનું નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દસકા પછી નાઇજીરિયા પહોંચનારા ભારતના પહેલા વડાપ્રધાન છે. તેમણે નાઇજીરિયાના પ્રમુખ બોલા અહેમદ ટિનુબુ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત નાઇજીરિયા સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારીને વિશેષ પ્રાથમિક્તા આપે છે અને તે સંરક્ષણ, ઊર્જા અને વ્યાપાર સહિત અનેક ક્ષેત્રોમાં સંબંધો વધારવાની દિશામાં કામ કરશે. ભારત નાઇજીરિયાને વર્તમાન રાહત પ્રયાસોના ભાગરૂપે ૨૦ ટન માનવીય સહાય સામગ્રી મોકલશે.
આફ્રિકા ખંડમાં નાઇજીરિયાની મહત્ત્વની ભૂમિકા
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, મોદીએ નાઇજીરિયાને કૃષિ, પરિવહન, સસ્તી દવાઓ, વૈકલ્પિક ઊર્જા અને ડિજિટલ પરિવર્તનની બાબતોમાં ભારતના અનુભવોનો લાભ ઉઠાવવાની રજૂઆત કરી હતી. પ્રમુખ ટિનુબુએ ભારત દ્વારા પ્રસ્તાવિત વિકાસ સહયોગ ભાગીદારી તથા સ્થાનિક ક્ષમતા, કૌશલ અને કમર્શિયલ એક્સપર્ટાઈઝના સર્જનમાં તેના સાર્થક પ્રભાવની પ્રશંસા કરી હતી.
મોદીએ કહ્યું કે આફ્રિકા ખંડમાં નાઇજીરિયા ખૂબ જ મોટી અને સકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે અને આફ્રિકા સાથે સહયોગ ભારત માટે પ્રાથમિક્તાનો મુદ્દો છે. પ્રમુખ ટિનુબુ સાથેની બેઠકમાં મોદીએ આતંકવાદ, અલગતાવાદ, ચાંચિયાગીરી અને ડ્રગ્સની હેરાફેરીને મુખ્ય પડકારો ગણાવ્યા હતા અને બંને દેશો આ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે તેમ કહ્યું હતું.
ભારતીય કંપનીઓનું
27 બિલિયન ડોલરનું રોકાણ
પશ્ચિમ આફ્રિકામાં પીએમ મોદીના આ પ્રવાસના મહત્વ અંગે નાઇજીરિયામાં ભારતીય હાઈકમિશનર જી. બાલાસુબ્રમણ્યમે કહ્યું કે, આફ્રિકામાં નાઇજીરિયા સૌથી વધુ વસતી ધરાવતા રાષ્ટ્રોમાંનું એક છે અને તેનું અર્થતંત્ર પણ ભારત માટે મહત્વનું ભાગીદાર છે. નાઇજીરિયામાં 200થી વધુ ભારતીય કંપનીઓએ અંદાજે 27 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે અને તેઓ નાઇજીરિયાની સરકાર પછી દેશમાં બીજા ક્રમની સૌથી મોટી રોજગાર સર્જક છે.
આ પહેલાં ઓક્ટોબર 2007માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે આફ્રિકન દેશોના પ્રવાસ સમયે ભારત-નાઇજીરિયાના સંબંધોને ‘વ્યૂહાત્મક ભાગીદારી’નો દરજ્જો આપ્યો હતો. નાઇજીરિયા છ દાયકા કરતાં વધુ સમયથી ભારતનું નજીકનું ભાગીદાર રહ્યું છે.