નાઈરોબીઃ પૂર્વ આફ્રિકાના મુખ્ય દેશ કેન્યા સાથે સંબંધ મજબૂત બનાવવાના ઉદ્દેશથી ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર ૧૨ જૂને કેન્યાની ત્રણ દિવસની મુલાકાતે નાઈરોબી પહોંચ્યા હતા.
૧૪મીને સોમવારે એસ જયશંકર અને કેન્યાના ટોચના પ્રધાનોએ નાઈરોબીમાં મિનિસ્ટરિયલ રાઉન્ડ ટેબલમાં બન્ને દેશો વચ્ચે સર્વગ્રાહી ભાગીદારીના નિર્માણ માટે ચર્ચા કરી હતી. આ બેઠકનું અધ્યક્ષપદ કેન્યાના વિદેશ પ્રધાન રેશેલ ઓમામોએ સંભાળ્યું હતું. બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાની સમીક્ષા કરાઈ હતી.
બેઠક બાદ જયશંકરે ટ્વિટ કરીને સિનિયર પ્રધાનોનો આભાર માન્યો હતો અને ભાગ લેનાર સૌએ દર્શાવેલા વિચારો, ઉત્સાહ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.
૧૩મીએ તેમણે કેન્યામાં ભારતીય ડાયસ્પોરા સાથે ફળદાયી ઓનલાઈન ચર્ચા કરી હતી. આ બેઠકના મધ્યસ્થી તરીકે કેન્યા ખાતેના ભારતીય હાઈ કમિશનર ડો. વીરેન્દર પૌલે ફરજ બજાવી હતી. કેન્યામાં ૨૦,૦૦૦ ભારતીય નાગરિકો સહિત ૮૦,૦૦૦ મૂળ ભારતીય લોકો રહે છે.
અગાઉ, તેમણે કેન્યાના તેમના સમકક્ષ રેશેલ ઓમામો સાથે દ્વિપક્ષીય સહયોગ વિશે પરિણામલક્ષી ચર્ચા કરી હતી. બન્ને દેશ સંયુક્ત કમિશન દ્વારા આ સહયોગને આગળ ધપાવવા માગે છે.
વાટાઘાટો પછી જયશંકરે ટ્વિટ કરીને જણાવ્યું કે બન્ને વચ્ચે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અંગે વિચારોનું વિસ્તૃત આદાન – પ્રદાન થયું હતું. ઐતિહાસિક એકતા આજે આધુનિક ભાગીદારી બની છે.