બાંજુલ (ગામ્બીઆ), નવી દિલ્હી: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પશ્ચિમ આફ્રિકન દેશ ગામ્બીઆમાં કિડનનીને ગંભીર નુકસાનથી 66 બાળકોના મોત પછી ભારતીય દવા કંપનીની કફ સીરપ અંગે આપેલી ચેતવણીના પગલે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે. ભારત સરકારે બાળકોના મોતને કફ સીરપ સાથે સાંકળતા અહેવાલ માગી WHOને તત્કાળ પગલાં લેવાની હૈયાધારણ આપી હતી.
‘WHO મેડિકલ પ્રોડક્ટ એલર્ટ’માં ભારતમાં તાવ, શરદી અને ખાંસી માટે ઉત્પાદિત ચાર કફ સીરપની ખરાબ ગુણવત્તાના ઉત્પાદન તરીકે ઓળખ કરાઈ હતી. WHO દ્વારા આ દવાઓના 23 સેમ્પલ લેવાયા હતા અને તમામ પરીક્ષણોમાં ડાયથાઈલીન ગ્લાયકોલ અને એથિલિન ગ્લાયકોલનું મિશ્રણ જણાયું હતું. WHOની ચેતવણીમાં ભારતમાં હરિયાણાના સોનીપતસ્થિત મેડન ફાર્માસ્યુટિકલ લિ. દ્વારા ઉત્પાદિત પ્રોમેથાઝિન ઓરલ સોલ્યુશન, કોફેક્સમાલિન બેબી કફ સીરપ, મેકોફ બેબી કફ સીરપ અને મેગ્રિપ એન કોલ્ડ સીરપનો સમાવેશ થાય છે.
ભારતની સર્વોચ્ચ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી ધ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ને 29 સપ્ટેમ્બરે આ મુદ્દે માહિતગાર કરાયા પછી તેના દ્વારા તત્કાળ તપાસ શરૂ કરી દેવાઈ હતી. હરિયાણામાં નિયામક ઓથોરિટીએ દવાઓના સેમ્પલ લઈને તપાસ માટે કોલકાતા લેબમાં મોકલી આપ્યા છે. બીજી તરફ, WHO ની ચેતવણીના પગલે બિહાર સરકારે તાત્કાલિક અસરથી દવા કંપનીની ચારેય કફ સીરપના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ દવાઓમાં ડાયથાઈલીન ગ્લાયકોલ અને એથિલિન ગ્લાયકોલ અસ્વીકાર્ય પ્રમાણમાં હતા જે મનુષ્યો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ડાયથાઈલીન ગ્લાયકોલ અને એથિલીન ગ્લાયકોલથી પેટમાં દુઃખાવો, ઝાડા-ઉલટી, મૂત્રત્યાગમાં તકલીફ, માથામાં દુઃખાવો, માનસિક સ્થિતિમાં પરિવર્તનને ગંભીર નુકસાન થઈ શકે છે અને દર્દીનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.
WHO ના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધનોમ ગેબ્રીઅસે કહ્યું હતું કે, આ દવાઓ હાલ માત્ર ગામ્બીઆમાં જ મોકલાઈ છે, પરંતુ બિનસત્તાવાર બજાર મારફત અન્ય દેશોમાં પણ તેનું વેચાણ કરાયું હોવાની આશંકા છે. બધા જ દેશોને આ દવાઓથી થતા નુકસાનથી બચવા માટે આ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે. WHO ની ચેતવણી પછી ગામ્બીઆએ ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યમાં 2020માં અન્ય બ્રાન્ડની આ જ ડાયથાઈલીન ગ્લાયકોલ અને એથિલિન ગ્લાયકોલ મિશ્રિત કફ સીરપ પીવાથી 17 બાળકોના મોત થયાના અહેવાલ હતા. અન્ય ઘટનામાં ગયા વર્ષે નવી દિલ્હીમાં ડેક્સ્ટ્રોમીથોર્પાન સાથેના કફ સીરપ પીવાથી ત્રણ બાળકોનાં મોત નીપજ્યાં હતાં.