નવી દિલ્હી, નાઈરોબીઃ ભારતે કેન્યાના રાજદ્વારીના પુત્ર દ્વારા સગીરા પર કથિત જાતીય હુમલાના કેસમાં તેની ડિપ્લોમેટિક કાનૂની ઈમ્યુનિટીને નકારવા કેન્યા સરકારને અનુરોધ કર્યો છે જેથી ફરિયાદમાં આગળ તપાસ થઈ શકે.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સાઉથ દિલ્હીમાં ધોરણ 12માં અભ્યાસ કરતા કેન્યન રાજદ્વારીના પુત્ર સામે ઓગસ્ટ મહિનામાં સ્કૂલ બસમાં પાંચ વર્ષીય સગીર બાળા પર જાતીય હુમલો કરવાનો આક્ષેપ કરાયો છે. બાળાએ વારંવાર યુરિન જવાની ફરિયાદ કરતા માતાપિતાએ તબીબી સહાય મેળવતા તેમને સપ્ટેમ્બરમાં જાતીય હુમલો કરાયો હોવાની ઘટનાની જાણ થઈ હતી.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ગત વર્ષે 19 સપ્ટેમ્બરે FIR દાખલ કરાઈ ત્યારે શરૂઆતમાં સગીર બાળા કથિત હુમલાખોરનું નામ જણાવી શકી ન હતી. જોકે, તેણે નવેમ્બરમાં કેન્યાના રાજદ્વારીના પુત્રને ઓળખી બતાવ્યો હતો. રાજદ્વારીના પુત્ર સામે પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (PoCSO) એક્ટ હેઠળ તેમજ ભારતીય ન્યાય સંહિતાના જાતીય હુમલા સંબંધિત સેક્શન અન્વયે ફરિયાદ નોંધાવાઈ હતી. ફરિયાદી તેમજ અન્ય સ્ટુડન્ડ્સના પેરન્ટ્સ દ્વારા ભારે વિરોધ દર્શાવાતા રાજદ્વારીના પુત્રને ફેબ્રુઆરીની શરૂઆતમાં સ્કૂલમાંથી સસ્પેન્ડ કરાયો હતો. જોકે, વિએના કન્વેન્શન 1961 અનુસાર આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ રાજદ્વારીઓ અને તેમના પરિવારોને વિદેશમાં કાનૂની ઈમ્યુનિટી મળતી હોવાથી તપાસ આગળ ચલાવાઈ શકી ન હતી.