જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકામાં રહેતી ભારતીય કિશોરી કિયારાએ સંતરાની છાલમાંથી એવું પોલીમર બનાવ્યું છે કે જે પાણી શોષે છે. તેના કારણે માટીમાં ભેજ જળવાઇ રહે છે. દુષ્કાળના સમાધાન માટે કિયારાને વર્ષે ગૂગલ સાયન્સ ફેરમાં ૫૦,૦૦૦ ડોલરનો એવોર્ડ મળ્યો છે. સ્પર્ધામાં ૧૩થી ૧૮ વર્ષના બાળવિજ્ઞાનીઓ ભાગ લે છે. તેમણે દુનિયાના મોટા પડકારોનો ઉકેલ લાવવાનો હોય છે.
દક્ષિણ આફ્રિકામાં ખેતીની જમીન ઘણીવાર દુષ્કાળથી અસરગ્રસ્ત રહે છે, જેને ધ્યાનમાં રાખીને કિયારાએ 'હવે કોઇ પાક તરસ્યો નહીં રહે' નામથી પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. ૧૧મા ધોરણમાં ભણતી ૧૬ વર્ષની કિયારાને બાળપણથી કેમેસ્ટ્રી વિષય પસંદ છે. તેણે તૈયાર કરેલું પોલીમર માટીમાં ભેળવીને વપરાય છે.
કિયારા જાણીતા કૃષિ વિજ્ઞાની એમ એસ સ્વામીનાથનને પોતાનો આદર્શ માને છે. તે કહે છે કે સ્વામીનાથન માત્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં કૃષિક્ષેત્રે સ્થાયી વિકાસની વાત કરતા હતા. કિયારા મોટી થઇને કૃષિ વિજ્ઞાની બનવા ઇચ્છે છે. મોલેક્યુલર ગેસ્ટ્રોનોમીમાં કામ કરવાની પણ તેની ઇચ્છા છે. કિયારાને ખાતરી છે કે તેના પોલીમરથી ખેડૂતોને ખૂબ મદદ મળશે અને ખાદ્ય સુરક્ષા ૭૩ ટકા વધી જશે. હવે તે પોલીમર દ્વારા પાણી ફિલ્ટર કરવાનો પ્રયોગ કરી રહી છે.
કિયારાએ વિકસાવેલું પોલીમર તેના વજનથી ૩૦૦ ગણું પાણી શોષી શકે છે
સામાન્ય સુપર એબ્ઝોરબન્ટ પોલીમર જૈવિક રીતે નષ્ટ નથી થતા. તેમાં ઘણા કેમિકલ્સ હોય છે. તે ખૂબ મોંઘા પણ હોય છે. એક ટન પોલીમર બનાવવાનો ખર્ચ ૧.૩૫ લાખ રૂપિયાની આસપાસ આવે છે. કિયારાએ ૪૫ દિવસના રિસર્ચમાં જાણવા મળ્યું કે લીંબુ પ્રજાતિના મોટા ભાગનાં ફળોમાં પોલીમર પ્રાકૃતિક રીતે રહે છે. તેણે જ્યૂસ બનાવતી ફેક્ટરીઓના કચરામાંથી સંતરાની છાલ મેળવી અને તેમાંથી પોલીમર તૈયાર કર્યું. પોલીમર સસ્તું છે અને માટીમાં સહેલાઇથી ભળી જાય છે. તે પોતાના વજનથી ૩૦૦ ગણું પાણી શોષે છે. તેના કારણે માટી ભેજવાળી રહે છે અને છોડને પાણી મળી રહે છે. પોલીમર બનાવવાનો પ્રતિ ટન ખર્ચ બે હજારથી ચાર હજાર રૂપિયા છે.