નવી દિલ્હી,નાઈરોબીઃ ભારતની સરકારી ઓઈલ કંપનીઓ લંડનસ્થિત ઓઈલ કંપની ટુલો ઓઈલ (TLW.L)ના કેન્યામાં ઓઈલ બ્લોકમાં હિસ્સો મેળવવા વાટાઘાટો કરી હોવાનું ઓઈલ ઈન્ડિયાના ચેરમેન રણજિત રથે જણાવ્યું છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ની વિદેશી રોકાણ શાખા ONGC વિદેશ પણ વાટાઘાટોમાં સંકળાયેલી છે પરંતુ, આ હિસ્સો કેટલો રહેશે તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. પરંતુ, ભારતીય કંપનીઓને 50 ટકા હિસ્સો મેળવવામાં રસ હોવાનું કહેવાય છે. રથે જણાવ્યું હતું કે તેમની કંપની ઓવરસીઝ પ્રોજેક્ટ્સ માટે અન્ય સરકારી કંપનીઓ સાથે ભાગીદારી કરવા તૈયાર છે. ભારત વિશ્વમાં ચોથા ક્રમનો સૌથી વધુ ઓઈલ ખરીદનાર દેશ છે અને જરૂરિયાતના આશરે 80 ટકા ક્રુડની આયાત કરે છે.
વૈશ્વિક સ્વતંત્ર ઓઈલ અને ગેસ સંશોધન અને ઉત્પાદન કંપની ટુલો ઓઈલ પીએલસીએ તેના સંયુક્ત સાહસમાં 25-25 ટકાના ભાગીદારો આફ્રિકા ઓઈલ કોર્પ અને ફ્રાન્સની ટોટલ એનર્જીસ SE ટુરકાના કાઉન્ટીમાં ઓફશોર ઓઈલ પ્રોજેક્ટ ઓઈલ કેન્યાથી છૂટા પડવાના પગલે સંપૂર્ણ અંકુશ મેળવી લીધો છે અને 3.4 બિલિયન ડોલરના ઓઈલ પ્રોજેક્ટ માટે સ્ટ્રેટેજિક પાર્ટનરની શોધમાં છે. ગત જુલાઈમાં ONGC વિદેશ અને ટુલો ઓઈલ વચ્ચે વાટાઘાટો થઈ હતી અને વધુ મંત્રણા માટે બંને વચ્ચે સહમતિ સધાઈ હતી.
ટુલો કેન્યા BVના મેનેજિંગ ડાયરેક્ટર મધાન શ્રીનિવાસને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટની આર્થિક ક્ષમતાના આધારે રસ દર્શાવનારી કંપનીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે. બીજી તરફ, ચાઈના પેટ્રોલિયમ એન્ડ કેમિકલ કોર્પોરેશન (સિનોપેક) પણ આ પ્રોજેક્ટમાં હિસ્સો મેળવવા રસ ધરાવે છે. જોકે, મૂળ ભારતીય સીઈઓ રાહુલ ધીર હસ્તકની ટુલો ઓઈલ ભારતીય કંપનીઓ સાથે ભાગીદારીમાં રસ ધરાવતા હોવાનું કહેવાય છે.