મસાઈ મારાઃ મારા રિવરને કાંઠે કચ્છના કેરાના અને હાલમાં નાઈરોબીમાં વસતા ગોપાલભાઈ રાબડિયાની મારા રિવર લોજ આવેલી છે. સ્વામીનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ૨૫૦થી વધારે સંતો અને ભક્તો સાથે અહીં ભારતીય પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી કરી હતી. આફ્રિકન પ્રજા ભારતીય પરિવેશમાં આવી હતી અને ફેસ પેઇન્ટિંગ પણ કરાવ્યાં. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો અને સામૂહિક રાષ્ટ્રીય ગાન ‘જન ગણ મન’ શરૂ કર્યું હતું. આ સમયે આફ્રિકામાં જન્મેલી ગોપાલભાઈ રાબડિયાની ચાર વર્ષીય પૌત્રી ઊર્મિએ રાષ્ટ્રીય ગીતનું ગાન કરીને સૌને અચરજમાં નાંખી દીધા હતા. આ પ્રસંગે મસાઈ મારામાં હાથીઓના સંરક્ષણ માટે સેવા બજાવતા ‘મારા એલિફન્ટ પ્રોજેક્ટ’ના સીઈઓ અમેરિકી માર્ક ગોસને વન્ય જીવોના સંરક્ષણ માટે ૧૦૦૮ ડોલરનું દાન અર્પણ કરાયું હતું. યોગાનુયોગ સ્વામીનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ વિદેશની કેડી કંડારનારા મુક્તજીવન સ્વામીબાપા આફ્રિકા ખંડમાં પ્રથમ વખત પધાર્યા તેને પણ આ વર્ષે ૭૦ વર્ષ થયાં છે.