લંડન
ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનાથી ચોખાની નિકાસ પર નિયંત્રણો લદાયા બાદ આફ્રિકન દેશોમાં ચોખાની તીવ્ર અછત વર્તાઇ રહી છે. દુકાળના કારણે ઘરઆંગણે ચોખાની કિંમતોને નિયંત્રણમાં રાખવા ભારત સરકારે તૂટેલા ચોખાની નિકાસ પર સંપુર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો અને નોન બાસમતી ચોખાની કેટલીક જાતો પર 20 ટકા એક્સપોર્ટ ટેક્સ લાદ્યો હતો. તેના કારણે ચોખાની આયાત પર નભતા આફ્રિકન દેશોમાં ચોખાના મામલે આત્મનિર્ભર બનવાની માગ ઉગ્ર બની રહી છે.
અનાજ પર વિદેશી નિર્ભરતાનો અંત લાવવાના અભિયાનના સંયોજક વેલી ડિઉફ કહે છે કે સેનેગલમાં ચોખાની અછતનું જોખમ છે. અમે હવે વધુ ચોખાની આયાત પર નિર્ભર રહેવા માગતા નથી. અમને નિકાસના ચોખા ઘણા મોંઘા પડે છે.
28 આફ્રિકન દેશો દ્વારા સ્થાપિત રિસર્ચ સેન્ટર આફ્રિકા રાઇસના જણાવ્યા અનુસાર આફ્રિકામાં વિશ્વની કુલ વસતીના 13 ટકા લોકો રહે છે જ્યારે વિશ્વની કુલ ચોખાની આયાતના 32 ટકા ચોખા આફ્રિકામાં આયાત કરાય છે. હાલમા ચોખાનું સ્થાનિક ઉત્પાદન કુલ માગના 60 ટકા જરૂરીયાત જ સંતોષી શકે છે. તેથી આફ્રિકાના દેશોને દર વર્ષે 15 મિલિયન ટન ચોખાની આયાત કરવી પડે છે.
ભારત દ્વારા ચોખાની નિકાસ પર નિયંત્રણો લદાતા આફ્રિકાના ઘણા દેશોમાં ભય ફેલાયો છે. સેનેગલમાં સરકારે ભારતીય અને પાકિસ્તાની ચોખાની કિંમતો પર નિયંત્રણો લાદવાની ફરજ પડી છે.