કેપટાઉનઃ આજનાં જમાનામાં છોકરાઓ લગ્ન માટે દુબળી પાતળી કન્યાઓ પસંદ કરવાની વાતને પ્રાધાન્ય આપે છે, પણ દુનિયામાં એક સ્થળ એવું છે કે જ્યાં જાડી છોકરીઓને લગ્ન માટે પહેલાં પસંદ કરાય છે. સાઉથ આફ્રિકામાં લેબલોહ નામની એક પરંપરા છે કે જે હેઠળ લોકો પોતાનાં છોકરાઓ માટે જાડી છોકરીઓને પસંદ કરે છે. આથી અનેક છોકરીઓને બાળપણથી જ વધુ ચરબીવાળો ખોરાક આપવામાં આવે છે.
સાઉથ આફ્રિકાનાં કેપટાઉનમાં લેબલોહ નામની એવી પરંપરા છે કે માતા-પિતા તેમની છોકરી જ્યારે પાંચ વર્ષની હોય ત્યારથી જાડી બનાવવા માટે તેને ફેટ ફાર્મમાં મોકલે છે. અહીં એવું મનાય છે કે જો છોકરી વધારે જાડી હશે તો તેનાં લગ્ન જલદી થશે અને તેને યોગ્ય વર મળશે.
અહીં લોકો તેની છોકરીઓને જાડી બનાવવા જાતજાતનાં નુસખા અપનાવે છે. તેને ભૂખ ન હોય તો પણ ઠાંસી ઠાંસીને ખોરાક ખવડાવવામાં આવે છે. અહીં એવું મનાય છે કે છોકરી જેટલી જાડી હશે તેટલી તેનાં પતિનાં દિલમાં તેને વધુ જગ્યા મળશે. અહીંની છોકરીઓને વધુ જાડી હોવાનો ગર્વ હોય છે. આ પરંપરા હેઠળ દુબળી પાતળી છોકરીઓ જોવા મળતી જ નથી.