મલાબોઃ યુનાઇટેડ કિંગ્ડમે ઈક્વાટોરિયલ ગિનિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને દેશના પીઢ પ્રેસિડેન્ટના પુત્ર ટીઓડોરીન ન્ગુએમા ઓબિઆંગ પર સરકારી મિલકતોની ઉચાપત કરીને પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાના કથિત આક્ષેપો વચ્ચે પ્રતિબંધ મુકતા ગિનિયાએ ગયા સોમવારે તેની લંડનની એમ્બેસી બંધ કરવાની જાહેરાત કરી હતી. યુકેનો આક્ષેપ છે કે ઓબિઆંગે દુનિયાભરમાં મેન્શનો, લક્ઝરી કાર્સ સહિત ૫૦૦ મિલિયન ડોલરની ઉચાપત કરી હતી.ફોરેન મિનિસ્ટર સાયમન ઓયોનો એસોનોએ નેશનલ ટીવીને જણાવ્યું હતું કે સેન્ટ્રલ આફ્રિકાના તેમના આ દેશની સ્થાનિક બાબતોમાં તેમને કોઇની દખલગીરી સ્વીકાર્ય નથી. તેમણે ઉમેર્યું કે આ પ્રતિબંધો એક તરફી અને ગેરકાયદેસર તથા આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતનો ભંગ કરે છે. સરકારે પહેલા પગલામાં લંડનમાં આવેલા તેના ડિપ્લોમેટિક મિશનને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે આ નિર્ણયનો અમલ ક્યારથી થશે તે વિશે તેમણે વિગતો આપી ન હતી. બ્રિટિશ સરકારે પાયાવિહોણા પ્રતિબંધો મૂક્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઓબિઆંગે યુનાઈટેડ કિંગ્ડમમાં કોઈપણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ન કર્યું હોવાનું સરકારે ઉમેર્યું હતું. બ્રિટિશ સરકારે તેમની મિલકતો સીઝ કરવાનો અને યુકેમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો તેના થોડા દિવસ બાદ ગિનિયાએ આ પ્રતિક્રિયા આપી હતી