કેપ ટાઉનઃ ૧૦મી ઓગસ્ટે દક્ષિણ આફ્રિકાની એક કોર્ટે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જેકબ ઝૂમા સામેની લાંબા સમયથી વિલંબિત ભ્રષ્ટાચાર અંગેની અદાલતી કાર્યવાહી તેમના હોસ્પિટલાઈઝેશનને લીધે આગામી ૯ સપ્ટેમ્બર પર મુલતવી રાખી હતી. બંધારણીય કોર્ટના આદેશના અનાદર બદલ ૧૫ મહિનાની જેલની સજા ભોગવી રહેલા જેકબ ઝૂમાને ૬ ઓગસ્ટે ઓબ્ઝર્વેશન માટે એસ્ટકોર્ટ કરેક્શનલ સેન્ટર નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં રુટિન ચેકઅપ દરમિયાન તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર જણાઈ હતી.
૨૦૦૯થી ૨૦૧૮ દરમિયાન પ્રેસિડેન્ટપદે તેમના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહેલી સરકાર સમર્થિત તપાસમાં જુબાની આપવા માટે બંધારણીય કોર્ટે કરેલા આદેશનો અનાદર કરવા બદલ તેઓ જેલમાં છે.
ઝૂમા બે બિલિયન ડોલરના શસ્ત્ર સોદામાં ભ્રષ્ટાચારના કેસમાં ૧૦ ઓગસ્ટને મંગળવારે પીટરમેરિત્ઝબર્ગ કોર્ટ સમક્ષ હાજર થવાના હતા.
૧૦મીએ હાઈ કોર્ટના જજ પીએટ કોએને મુદતની અરજી મંજૂર કરી હતી અને ઝૂમાની ટીમને ૨૦ ઓગસ્ટ સુધીમાં મેડિકલ રિપોર્ટ રજૂ કરવા તેમજ ટ્રાયલ માટે ઝૂમા ફીટ છે કે નહીં તેની ચકાસણી કરવા માટે મેડિકલ ડોક્ટરની નિમણુંકનો આદેશ કર્યો હતો.
આ અગાઉ જેકબ ઝૂમાને ઈન્ક્વાયરી કમિશન સમક્ષ હાજર થવા માટે જેલ બહાર જવાની પરવાનગી અપાઈ હતી. ૪ ઓગસ્ટના કોર્ટ ઓર્ડરમાં જજ પીએટ કોએને જણાવ્યું કે પીટરમેરિત્ઝબર્ગની હાઈકોર્ટમાં જાહેર સુનાવણી થશે.
હાલ ઝૂમા બંધારણીય કોર્ટના આદેશના ભંગ બદલ ૧૫ મહિનાની જેલ ભોગવે છે.
૮ જુલાઈએ ઝૂમાને જેલમાં મોકલી અપાયા તે પછી ક્વાઝૂલુ - નાતાલ અને ગૌતેંગ પ્રાંતમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. એક અઠવાડિયા સુધી ચાલેલા તોફાનોમાં ૩૩૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને માલ – મિલ્કતને R ૨૦ બિલિયન (૧.૩૬ બિલિયન ડોલર)નું નુક્સાન થયું હતું.
દરમિયાન આગામી સુનાવણીમાં દક્ષિણ આફ્રિકાના પ્રેસિડેન્ટ સિરીલ રામા ફોસા તેમના પૂર્વ સમકક્ષ જેકબ ઝૂમા વિરુદ્ધ જુબાની આપશે.
કમિશનના સેક્રેટરી પ્રો. ઈતુમેલન્ગ મોસાલાએ જણાવ્યું કે પ્રેસિડેન્ટ રામા ફોસા વર્તમાન પ્રેસિડેન્ટ અને પક્ષના ભૂતપૂર્વ ડેપ્યૂટી પ્રેસિડેન્ટની હેસિયતથી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) સંબંધિત પૂરાવા પૂરા કરશે અને તે પછી સાક્ષી આપશે. ત્યારબાદ તેમની ઉલટતપાસ કરાશે.