જોહાનિસબર્ગઃ અશ્વેત આંદોલનના પ્રણેતા અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના પૌત્રની એક સગીરા પર દુષ્કર્મ કરવાના આરોપમાં ધરપકડ થઇ છે. સ્થાનિક પોલીસના પ્રવક્તા મસાદી સેલિપે જણાવ્યું કે, ૨૪ વર્ષીય બૂસો મંડેલા પર એક ૧૫ વર્ષની કિશોરી પર દુષ્કર્મ કરવાનો આરોપ છે. બૂસોને કોર્ટમાં રજૂ કરાયો હતો અને શુક્રવારે તેની જામીનઅરજી પર સુનાવણી હાથ ધરાશે. અત્યારે તે પોલીસ કસ્ટડીમાં છે. તેની ગત ૧૫ ઓગસ્ટે ધરપકડ થઇ હતી.
સેલિપે જણાવ્યું હતું કે, સાત ઓગસ્ટે રોજ જોહાનિસબર્ગના ઉપનગર ગ્રીનસાઇડની એક રેસ્ટોરાંનાં શૌચાલયમાં બૂસોએ એક કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ કિશોરી તેના મિત્રો સાથે રેસ્ટોરામાં ગઈ હતી. સ્થાનિક અખબાર ડેઇલી સને કિશોરીના પરિવારજનોના હવાલાથી લખ્યું છે કે, ‘જેવી તે શૌચાલયમાં ગઈ કે, બૂસોએ તેને પકડી લીધી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.’
અખબારમાં જણાવ્યા મુજબ, આ ઘટના બાદ નેલ્સન મંડેલાની બીજી પત્ની વિનીએ એક બોડીગાર્ડને પોલીસ અધિકારીના વેશમાં કિશોરીના પરિજનોને ધમકાવવા મોકલ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જ નેલ્સન મંડેલાનો અન્ય એક પૌત્ર એક માર્ગ અકસ્માતમાં ૪૦ વર્ષીય મોટરસાઇકલચાલક સાથે દુર્વ્યવહાર બદલ દોષિત ઠર્યો હતો.