લંડનઃ આંતરરાષ્ટ્રીય સંશોધકોના જણાવ્યા અનુસાર મધ્યકાલીન સ્વાહિલી સભ્યતાઓમાં અડધા લોકોના ડીએનએ (DNA)માં પર્શિયન (90 ટકા) અને ભારતીય (10 ટકા) હોવાનું જણાયું છે. મધ્યકાલીન સ્વાહિલી સભ્યતાના લોકોમાં રીકવર કરાયેલા પ્રથમ DNAથી જાણવા મળ્યું છે કે 1000 કરતાં વધુ વર્ષોથી આફ્રિકન્સ અને એશિયનો કેન્યા, ટાન્ઝાનિયા, મોબામ્બિક સહિત ઈસ્ટ આફ્રિકન તટપ્રદેશના લોકો સાથે મેળજોલના સંબંધો ધરાવતા હતા.
આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમે વર્ષ1250 થી 1800 કોમન એરા (CE)ના સમયગાળામાં વિવિધ સ્વાહિલી વિસ્તારોમાં રહેનારા 80 લોકોનું DNA સિક્વન્સિંગ કર્યું હતું. નેચર જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસમાં સંશોધકોએ કહ્યું હતું કે આશરે 1000 CEથી અડધા જેટલાના DNA આશ્ચર્યજનક રીતે સાઉથવેસ્ટર્ન એશિયાના પુરુષ માઈગ્રન્ટ્સના હતા જેમાંથી અંદાજે 90 ટકા પર્શિયાના અને 10 ટકા ભારતના હતા. અન્ય અડધા મોટા ભાગના સંપૂર્ણપણે આફ્રિકન સ્ત્રીઓનાં હતાં. આશરે 1500 CE થી મોટા ભાગનું એશિયન જિનેટિક યોગદાન બદલાઈને અરેબિયન સ્રોતોનું થયું હતું. આ સમયગાળો સદીઓથી સ્વાહિલી મૌખિક ઈતિહાસ તરીકે ઉતરી આવેલા કિલ્વા ક્રોનિકલની સાથે સુસંગત છે જેમાં આશરે 1000 CEથી પર્શિયન વસાહતીઓ આવ્યા હોવાનું કહેવાયું છે. લગભગ આ જ અરસામાં આ વિસ્તારમાં ઈસ્લામ ધર્મનો પ્રભાવ વધવા લાગ્યો હતો.
સાતમી સદી CEથી શરૂ કરીને સ્વાહિલી સભ્યતામાં આધુનિક કેન્યા, ટાન્ઝાનિયા, દક્ષિણ સોમાલિયા, ઉત્તર મોઝામ્બિક, માડાગાસ્કરના તટવર્તી વિસ્તારો તથા કોમોરોસ અને ઝાંઝીબાર દ્વીપસમૂહોનો સમાવેશ થયો હતો. આધુનિક કાળમાં આ તટવિસ્તારના લાખો લોકો સ્વાહિલી તરીકે ઓળખાય છે અને તેમની ભાષા આ વિસ્તારમાં સહુથી વધુ બોલાતી ભાષાઓમાં એક છે.
સ્વાહિલી લોકોની આફ્રિકી અસ્મિતા
વિદેશથી લોકો આવવા લાગ્યા તે પહેલાથી આફ્રિકામાં સ્વાહિલી સભ્યતા હતી. આ વિષય પર 40 વર્ષથી સંશોધન કરી રહેલા યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના એન્થ્રોપોલોજિસ્ટ – નૃવંશશાસ્ત્રી ચાપુરુખા કુસિમ્બા કહે છે કે સંસ્થાનવાદી નૃવંશશાસ્ત્રીઓ માનતા હતા કે કબ્રસ્તાનો જેવા‘ મધ્યકાલીન સ્વાહિલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સને બાધવાની માનસિક ક્ષમતા આફ્રિકન્સમાં ન હતી અને તેના પર વિદેશી પ્રભાવ હતો. જોકે, વર્તમાન સંશોધન સ્પષ્ટ કરે છે કે સ્વાહિલી આર્કિઓલોજિકલ સાઈટ્સ પરથી મળેલી સ્થાપત્ય સહિતની 95 ટકા સામગ્રી ઘરઆંગણે વિકસાવાયેલી હતી જેમાં, પર્શિયન અને ભારતીય કડીઓનું મહત્ત્વ વિસારે પાડ્યા વિના સ્વાહિલીની આફ્રિકન અસ્મિતા નજરે પડે છે.
DNAના પુરાવાઓ દર્શાવે છે કે આફ્રિકી સ્ત્રીઓ સાથે મુખ્યત્વે પર્શિયન પુરુષોના સંબંધથી બાળકો જન્મ્યા હતા. જોકે, કુસિમ્બા કહે છે કે સ્વાહિલી સમુદાયો માતૃપ્રધાન હોવાથી તે સ્પષ્ટપણે ‘યૌનશોષણ’નો ઈશારો કરતું નથી. પર્શિયન પુરુષો વધુ સફળ વેપારી બનવા માટે સ્થાનિક વેપારી પરિવારો સાથે હળતામળતા અને લગ્ન પણ કરી સ્થાનિક રીતરિવાજો અપનાવતા હોવાની શક્યતા વધુ છે.