લંડન
દક્ષિણ આફ્રિકન દેશ મલાવીમાં કથિત ભ્રષ્ટાચારમાં સંડોવણી માટે બ્રિટનમાં તપાસનો સામનો કરી રહેલા બ્રિટિશ બિઝનેસમેન પાસેથી લાંચ લેવાનો આરોપ મલાવીના ઉપપ્રમુખ પર મૂકાયો છે. દેશના એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરાયા બાદ મલાવીના પ્રમુખ લાઝરસ ચકવેરાના ડેપ્યુટી એવા સૌલોસ ચિલિમાને અદાલતમાં રજૂ કરાયા હતા. ચિલિમાએ કોઇ અરજી દાખલ કરી નહોતી પરંતુ અદાલત પાસે તેમના પર મૂકાયેલા આરોપોનો અભ્યાસ કરવા વધુ સમયની માગ કરતા તેમને જામીન પર મુક્ત કરાયા હતા.
આરોપ છે કે બ્રિટિશ બિઝનેસમેન ઝુનેથ અબ્દુલ રશિદ સત્તાર સાથેના મલાવીના સુરક્ષા દળોને પૂરવઠો આપવાના કરારોમાં ઊંચી કિંમતે ખરીદી કરીને સંબંધિત વિભાગોના અધિકારીઓએ દેશને મોટું નુકસાન કર્યું છે. ઉપપ્રમુખ ચિલિમાની ધરપકડને પગલે વિશ્વના સૌથી ગરીબ દેશો પૈકીના એક એવા મલાવીમાં રાજકીય કટોકટી ગંભીર બનવાની સંભાવના છે. મલાવીમાં જન્મેલા બ્રિટિશ નાગરિક સત્તારે પોતાના પર મૂકાયેલા આરોપો નકારી કાઢ્યા છે.
મલાવીના એન્ટી કરપ્શન બ્યુરોએ આરોપ મૂક્યા છે કે ચિલિમાએ સરકાર પાસેથી કોન્ટ્રાક્ટ મેળવવામાં સત્તાર સાથે સંકળાયેલી કંપનીઓને મદદ કરવા માટે 2,80,000 ડોલરની લાંચ સ્વીકારી હતી. ચિલિમા પર ભ્રષ્ટાચારના 3 આરોપ મૂકાયા છે.
મલાવીના આ લાંચ કાંડની તપાસ બ્રિટનમાં યુકે નેશનલ ક્રાઇમ એજન્સી દ્વારા ચાલી રહી છે. ગયા વર્ષે સત્તારની ધરપકડ કરાઇ હતી પરંતુ તેના પર હજુ કોઇ આરોપ ઘડાયા નથી.