જોહાનિસબર્ગઃદક્ષિણ આફ્રિકાના ફિનિક્સ સેટલમેન્ટમાં મહાત્મા ગાંધીના નિવાસ દરમિયાનના દસ્તાવેજો અને તેમના હાથબનાવટના વસ્ત્રો કાપડ સહિત મહત્ત્વપૂર્ણ વસ્તુઓને દક્ષિણ આફ્રિકાના ટ્રસ્ટ દ્વારા ભારતના નેશનલ ગાંધી મ્યુઝિયમને સોંપવામાં આવી છે. ગાંધીજી 1893માં દક્ષિણ આફ્રિકા આવ્યા હતા અને 1915માં ભારત પરત ફર્યા હતા. આ સમયગાળામાં તેઓ લાંબા સમય સુધી ડર્બનમાં રહ્યા હતા અને 1904માં ફિનિક્સ સેટલમેન્ટની સ્થાપના કરી હતી. આ સોંપણીની સાક્ષી બનેલા વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે બાપુનું જીવન અને સંદેશો આવનારી પેઢીઓને પ્રેરણા આપશે.
ફિનિક્સ સેટલમેન્ટ ટ્રસ્ટ-ગાંધી ડેવલપમેન્ટ ટ્રસ્ટ (PST-GDT) દ્વારા આ વસ્તુઓ અને દસ્તાવેજો સોંપાયાં છે. 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાની મુલાકાત દરમિયાન ગાંધીજીની ઐતિહાસિક ટ્રેનયાત્રાનું પુનરાવર્તન કર્યું હતું તેમજ ફિનિક્સ સેટલમેન્ટમાં મહાત્મા ગાંધીના ઘરની મુલાકાત લીધી હતી. 21 માર્ચે કિદાર રામગોબિને મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓને નેશનલ ગાંધી મ્યુઝિયમના ડાયરેક્ટર એ. અન્નામલાઈને સોંપી હતી. આ વસ્તુઓમાં કસ્તુરબાની સાડી, ગાંધીજીની લુંગી અને અન્ય વસ્ત્રો તથા સોંપાયેલા દસ્તાવેજોમાં ફિનિક્સ સેટલમેન્ટના ટ્રાન્સફર ડીડ, બેલેન્સ શીટ અને સહિતનો સમાવેશ થાય છે.