ખાર્ટુમઃ સુદાનમાં લગભગ એક દાયકા પછી 20 વર્ષની યુવતી મરિયમ અલસઈદ તિરાબને વ્યભિચાર આચરવાના આરોપમાં પથ્થરો મારીને મોત નીપજાવવાની સજા કરવામાં આવી છે. મરિયમને કાનૂની રજૂઆતની તક પણ આપવામાં આવી ન હતી એને પોલીસ દ્વારા સત્તાવાર ફરિયાદ વિના જ તેના વિરુદ્ધ ખટલો શરૂ કરાયો હતો. મિસ તિરાબ આ ચુકાદો ફગાવી દેવાશે તેવી આશા સાથે હાઈ કોર્ટમાં અપીલ કરવાની છે.
સુદાનના વ્હાઈટ નાઈલ પ્રાંતમાં પોલીસે ગત મહિને 20 વર્ષીય મરિયમ અલસઈદ તિરાબની વ્યભિચારના ગુનામાં ધરપકડ કરી હતી અને કોસ્ટી ક્રિમિનલ કોર્ટે 26 જૂને તેને સજા ફરમાવી હતી. પોલીસે તેની પાસેથી વ્યભિચારની ગેરકાયદે કબૂલાત કરાવી હોવાનું કહેવાય છે. તેને કાનૂની રજૂઆતની કોઈ તક અપાઈ ન હતી કે પોલીસ દ્વારા સત્તાવાર ફરિયાદ પણ કરાઈ ન હતી. માનવાધિકાર જૂથો આ બાબતને અયોગ્ય ગણાવી રહ્યા છે. મિસ તિરાબ તેના પતિથી અલગ થઈ પોતાના ફેમિલીના ઘરમાં રહેવા આવી હતી.
સુદાનમાં અમલી ઈસ્લામિક કાયદા હેઠળ વ્યભિચાર સહિતના ગુનામાં હાથ-પગ કાપી નાખવા, કોરડા ફટકારવા અને ઘણા કેસમાં મોતની સજા પણ ફરમાવાય છે. છેલ્લે 2013માં સાઉથ કોર્ડોફાન પ્રાંતમાં વ્યભિચાર બદલ પથ્થરો મારી મોતની સજા ફરમાવાઈ હતી પરંતુ, હાઈ કોર્ટે આ ચુકાદો ઉલટાવી નાખ્યો હતો. સુદાનમાં ગયા વર્ષે લશ્કરે સત્તા સંભાળ્યા પછી સ્ત્રીઓના અધિકારો પર તરાપ વાગી રહી હોવાનો ભય દર્શાવાય છે.