માઉ માઉ બળવાના સ્મારકનું ઉદ્ઘાટન

Wednesday 23rd September 2015 08:38 EDT
 
 

નાઈરોબીઃ ૧૯૫૦ના દાયકામાં બ્રિટિશ શાસનમાં ઈમર્જન્સી દરમિયાન અત્યાચાર અને દુર્વ્યવહારનો શિકાર બનેલાં લોકોની યાદમાં સ્મારકનું ઉદ્ઘાટન શનિવાર, ૧૨ સપ્ટેમ્બરે નાઈરોબીમાં કરાયું હતું. બ્રિટને ભંડોળ ફાળવ્યું છે તેવા સ્મારકના ઉદ્ઘાટનમાં હજારો કેન્યાવાસીઓ હાજર રહ્યા હતા. માઉ માઉ બળવાના કારણે ઈસ્ટ આફ્રિકન દેશ કેન્યામાં બ્રિટિશ શાસનના અંતનો ઘંટ વાગ્યો હતો.
કેન્યાએ ૧૯૬૩માં આઝાદી પ્રાપ્ત કરી હતી.
અત્યારે વૃદ્ધાવસ્થાના આરે પહોંચેલા હજારો કેન્યનોનું કહેવું છે કે માઉ માઉ બળવાને દબાવી દેવા બ્રિટિશ શાસન માટે કામ કરતા અધિકારીઓ દ્વારા તેમના પર શારીરિક અને જાતીય અત્યાચાર ગુજારાયો હતો. આ બળવામાં કેન્યનોના જૂથોએ બ્રિટિશ અધિકારીઓ અને ફળદ્રુપ જમીનો પચાવી પાડનારા વ્હાઈટ ખેડુતો પર હુમલાઓ કર્યા હતા.
બ્રિટિશ હાઈ કમિશને જણાવ્યા અનુસાર કેટલાક માઉ માઉ પીઢ સૈનિકો અને બ્રિટિશ સરકાર વચ્ચે ૨૦૧૩માં કોર્ટ બહારના સમાધાનના ભાગરૂપે આ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે બ્રિટિશ સરકાર અને ૧૯૫૨થી ૧૯૬૦ના ઈમર્જન્સી ગાળામાં તમામ અસરગ્રસ્તો અને બ્રિટિશ સરકાર વચ્ચે સમાધાનનું પ્રતીક છે.આશરે ૨૦ મિલિયન પાઉન્ડના મૂલ્યની આ સમજૂતીમાં ૫,૨૦૦થી વધુ દાવેદારોનો સમાવેશ થાય છે. આ સ્મારકમાં મહિલા પાસેથી પુરવઠાની બેગ મેળવતા સશસ્ત્ર બળવાખોરની પ્રતિમા છે.
માઉ માઉ બળવાના આંદોલન સમયે કેન્યન નેતા જોમો કેન્યાટા જેલમાં હતા. આ વખતે તેમની પુત્રી માર્ગારેટ કેન્યાટા અંબુભાઈ પટેલના ઘેર રહેતાં હતાં. અંબુભાઈ તેને પોતાની પુત્રી સમાન જ ગણતા હતા. કેન્યાટા પાછળથી કેન્યાના વડા પ્રધાન અને તે પછી પ્રમુખ પણ બન્યા હતા.
અંબુભાઈ પટેલની સગી દીકરીએ પછાત વર્ગના યુવાન સાથે લગ્ન કર્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter