કેપ ટાઉનઃ આફ્રિકાની આખરી રાજાશાહીને પડકારનારા બોલકા માનવાધિકાર કર્મશીલ અને વકીલ થુલાની માસેકોની તેમના નિવાસસ્થાને 21 જાન્યુઆરી, શનિવારની સાંજે હત્યા કરાઈ હતી. આ હત્યાથી દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે મોઝામ્બિક અને ખુદ એસ્વાટિની દેશમાં માનવાધિકાર જૂથો અને વિપક્ષી નેતાઓએ દુઃખ અને રોષ વ્યક્ત કરેલ છે. આફ્રિકાના આખરી રાજાશાહી દેશ એસ્વાટિની (અગાઉનું સ્વાઝીલેન્ડ)માં લોકશાહી તરફી નેતાઓ પર વર્ષોના દમન પછી નવેસરથી હિંસાનો દોર શરૂ થયો છે.
રાજકીય પક્ષો, ચર્ચીસ અને નાગરિક સમાજ જૂથોના સંગઠન મલ્ટિ-સ્ટેકહોલ્ડર ફોરમના અધ્યક્ષ અને માનવાધિકાર કર્મશીલ થુલાની માસેકો શનિવારની સાંજે લિવિંગ રૂમમાં પરિવારની સાથે બેસી ટેલિવિઝન નિહાળી રહ્યા હતા ત્યારે અજાણ્યા હત્યારાઓએ ગોળીઓ ચલાવી તેમની હત્યા કરી હતી. તેમનું નિવાસસ્થાન દેશની રાજધાની મ્બાબાનેથી 50 કિલોમીટરના અંતરે લુહલેકોમાં આવ્યું છે. તેમના ઘરની બારીમાં ગોળીબારના બે કાણાં જોવા મળ્યા હતા.
18 વર્ષની વયે ગાદી પર આવનારા કિંગ મ્સાવાટી ત્રીજાએ 37 વર્ષથી કડક હાથે શાસન ચલાવ્યું છે. દેશભરમાં વ્યાપક ગરીબી પ્રવર્તી રહી છે ત્યારે 15 પત્નીઓ સાથે વૈભવી મહેલોમાં રહેતા અને ઉડાઉ રાજાની ભારે ટીકા થતી આવી છે. સુરક્ષા દળોએ 2021માં લોકશાહીની માગણી સાથે શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા હજારો નાગરિકો પર ગોળીઓ ચલાવતા સંખ્યાબંધ લોકોના મોત થયા હતા. ઘણા લોકોનું અપહરણ કરાયું હતું કે અત્યાચાર ગુજારાયો હતો. સધર્ન આફ્રિકા લિટિગેશન સેન્ટર દ્વારા જણાવાયું હતું કે,‘ થુલાની સરકારી દમન સામે લડી રહેલા આફ્રિકન વકીલો માટે આશાનું પ્રતીક હતા. તેઓ એસ્વાટિનીમાં માનવાધિકાર ઉલ્લંઘનો અને અધિકારો પર તરાપ સામે લડાઈની આગેવાની કરી રહ્યા હતા. સરકાર અને રાજાશાહીના અત્યાચારો વિરુદ્ધ ખુલ્લેઆમ બોલવા બદલ તેમને વારંવાર ધમકી પણ મળતી હતી. તેમને વારંવારની ધરપકડો પછી જેલમાં મોકલાતા હતા.