લિલોન્ગેવેઃ દક્ષિણપૂર્વીય આફ્રિકન દેશ માલાવીમાં વેક્સિનની અછતના પરિણામે કોલેરા રોગચાળાએ મંગળવાર, 23મી જાન્યુઆરી સુધીમાં 1002 લોકોનો ભોગ લીધો છે. માલાવીમાં અગાઉ 2001 અને 2002ના ગાળામાં 968 લોકોના કોલેરાથી વિક્રમી મોત થયા હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જણાવ્યું હતું.
માલાવીને ગત નવેમ્બરમાં રસીકરણના કાર્યક્રમને આગળ ધપાવવા યુનાઈટેડ નેશન્સ તરફથી ઓરલ કોલેરા વેક્સિનના આશરે ત્રણ મિલિયન ડોઝ મળ્યા હતા પરંતુ, કોલેરાના કેસીસ વધતા જ રહ્યા છે. હેલ્થ મિનિસ્ટ્રીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તમામ ડોઝનો ઉપયોગ થઈ ગયો છે. વિશ્વમાં કોલેરા વેક્સિનના એક જ ઉત્પાદક હોવાથી આ જીવનરક્ષક ડ્રગ મેળવવી મુશ્કેલ છે. ગયા વર્ષે સૌપ્રથમ કેસ દેખાયા પછી અત્યાર સુધી 30,600થી વધુ લોકોને તેનો ચેપ લાગ્યો છે.
WHOના ડાયરેક્ટર-જનરલ ટેડરોસ અધાનોમ ગેબ્રેસસે જણાવ્યું હતું કે ગત ડિસેમ્બરથી 31 દેશોએ કોલેરાના રોગચાળો ફાટી નીકળ્યાની માહિતી આપી છે જે અગાઉના વર્ષોની સરખામણીએ 50 ટકા વધુ છે. માલાવી આફ્રિકન રોગચાળાનું એપીસેન્ટર બની ગયું છે. દુષિત ખોરાક અથવા પાણીના બેક્ટેરિયાના કારણે કોલેરામાં ઝાડા અને ઉલ્ટી થાય છે. માલાવી જેવા દેશોમાં કેટલીક ધાર્મિક માન્યતાના કારણોસર લોકો હોસ્પિટલોમાં સારવાર લેવા પણ જતા નથી. જેના પરિણામે મૃત્યુઆંક વધતો રહે છે.