કમ્પાલાઃ યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેની અને તેમના પુત્ર જનરલ મુહૂઝી કેઈનેરુગાબા સહિત 9 ઉચ્ચ પદાધિકારીઓ વિરુદ્ધ હિંસા, અત્યાચાર અને ટીકાકારોની કનડગત કરાવવાના આક્ષેપો સાથેના દસ્તાવેજો ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) સમક્ષ રજૂ કરાયા છે. વિપક્ષી નેતા અને ગાયક બોબી વાઈન સહિત 215 લોકોની લેખિત જુબાનીઓનો આ દસ્તાવેજોમાં સમાવેશ થાય છે. જોકે, મુસેવેની અને કેઈનેરુગાબાના પ્રવક્તાએ આક્ષેપો ફગાવી દીધા છે.
બોબી વાઈને 2021ની ચૂંટણીમાં પ્રમુખ મુસેવેની સામે ઉમેદવારી નોંધાવી હતી જેમાં 1986થી સત્તા પર રહેલા મુસેવેનીનો વિજય થયો હતો. વાઈને તેમની મનસ્વીપણે ધરપકડ કરાયા પછી અત્યાચાર ગુજારાયો હોવા અને ચૂંટણીમાં ભારે ગેરરીતિ સહિતના આક્ષેપો કર્યા હતા. મુસેવેનીનો પુત્ર જનરલ કેઈનેરુગાબા ‘ટોર્ચર સેન્ટર્સ’ ચલાવતો હોવાના પણ આક્ષેપો છે. યુગાન્ડાના વ્યંગકાર કાકાવેન્ઝા રુકિરા બાશાઈજા, કેરિંગ હાર્ટ્સ યુગાન્ડાના સંચાલક આમોસ કાટુમ્બા સહિતના લોકોએ મુસેવેની અને તેમના પુત્રના અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે.
આફ્રિકામાં ICC સામે વિરોધ વધી રહ્યો છે અને યુગાન્ડા સહિત કેટલાક દેશોએ તેમાંથી નીકળી જવાની ધમકી પણ આપેલી છે. આફ્રિકન દેશોનું કહેવું છે કે વિશ્વમાં અન્યત્ર જે થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપવાના બદલે માત્ર આફ્રિકામાં થતાં ગુનાઓ પર કાર્યવાહીનું વધુ ધ્યાન અપાય છે. જોકે, યુગાન્ડા રોમ સ્ટેટ્યૂટનું પક્ષકાર હોવાથી દેશમાં માનવતાવિરોધી ગુનાઓ સામે કોર્ટ કાર્યવાહી કરી શકે છે. જોકે, આ કેસ હાથ લેવો કે નહિ તેનો નિર્ણય ICCએ કરવાનો બાકી છે.