કમ્પાલાઃ યુગાન્ડાની શાસક પાર્ટી નેશનલ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ (NRM) દ્વારા આગામી 2026નીચૂંટણી માટે પણ પ્રમુખપદના ઉમેદવાર તરીકે 1986થી પ્રમુખપદે રહેલા 78 વર્ષના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીના નામની જાહેરાત કરાતા આશ્ચર્ય સર્જાયું છે. પાર્ટીના જણાવ્યા મુજબ મુસેવેની ઈસ્ટ આફ્રિકાના દેશને આગળ લઈ જવાની ઘણી યોજનાઓ ધરાવે છે. જોકે, રાજકીય નીરિક્ષકો માને છે કે પ્રમુખપદની સાતમી મુદત માટે મુસેવેનીની ઉમેદવારી તેમના તરંગી પુત્ર જનરલ મુહૂઝી કાઈનેરુગાબાની પ્રમુખપદની મહત્ત્વાકાંક્ષાને તોડી પાડવાના હેતુસરની હોઈ શકે છે.
સામાન્યપણે NRM દ્વારા ચૂંટણીના છ મહિના પહેલા જ પ્રમુખપદના ઉમેદવારની જાહેરાત કરાય છે પરંતુ, આ વખતે ત્રણ વર્ષ અગાઉ જ મુસેવેનીની ઉમેદવારી જાહેર કરી દેવાઈ છે. જોકે, મુસેવેનીનો પુત્ર આ જાહેરાતથી પ્રમુખપદનો વારસો હાંસલ કરવા પીછેહઠ કરશે તેવી આશા ઠગારી પણ નીવડી શકે છે. 48 વર્ષીય કાઈનેરુગાબાએ સેન્ડહર્સ્ટમાં શિક્ષણ લીધું છે અને સોશિયલ મીડિયા પર ભારે સક્રિય હોવાથી ‘જનરલ ટ્વીટર’ તરીકે પણ ઓળખાય છે. પિતાનો વારસો મેળવવા તેમણે આપેલા સંકેતથી દેશના જમણેરી જૂથો ચિંતામાં પડ્યા છે. 2020ની ચૂંટણી પછી કાઈનેરુગાબા લોહિયાળ હિંસામાં સંકળાયા હતા અને કેટલાક લોકોએ આ હિંસાની સરખામણી યુગાન્ડાના પૂર્વ સરમુખત્યાર ઈદી અમીનના હિંસક વલણ સાથે કરી હતી.
તાજેતરમાં કાઈનેરુગાબાએ તેને એબ્યુઝ કે અવગણતા પત્રકારોને કચડી નાખવાના શપથ લીધા હતા. આ પછી તેણે મજાકમાં જ કેન્યા પર હુમલો કરી તેની રાજધાની નાઈરોબી પર કબજો જમાવવાની ધમકી આપી હતી. આના પરિણામે તેના પિતા પ્રમુખ મુસેવેની માટે રાજદ્વારી શિરદર્દ ઉભું થયું હતું. મુસેવેનીએ જાહેર માફી માગ્યા પછી કાઈનેરુગાબાની ઈન્ફન્ટ્રીના કમાન્ડર પદેથી હકાલપટ્ટી કરી હતી. જોકે, પાછળથી ફોર-સ્ટાર જનરલ તરીકે બઢતી પણ આપી હતી.
કાઈનેરુગાબાએ તે શાસક પાર્ટી NRM માં માનતો નહિ હોવાનું જણાવી યુગાન્ડાના લોકો પરિવર્તન ઈચ્છતા હોવાનું પણ કહ્યું છે. મુસેવેનીની 74 વર્ષીય પત્ની જેનેટ દેશની એજ્યુકેશન મિનિસ્ટર છે જ્યારે તેમના 62 વર્ષીય ભાઈ સલીમ સાલેહ ચીફ ઓફ ધ સ્ટાફ છે. મુસેવેની અને પુત્ર જનરલ કાઈનેરુગાબાના સમર્થકો વચ્ચે વારસાઈ મુદ્દે ખેંચતાણ અને અફવાઓ ચાલ્યા કરે છે.