નાઈરોબીઃ કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ દેશના એર ફોર્સના પ્રથમ મહિલા તરીકે મેજર જનરલ ફાતુમા ગેઈટી અહમદની નિયુક્તિ કરી છે. ગયા મહિને હેલિકોપ્ટર તૂટી પડવાની દુર્ઘટનામાં લશ્કરી વડા અને અન્ય અધિકારીઓના મોતના કારણે નવી નેતાગીરીની જરૂરિયાત સર્જાઈ છે. મેજર જનરલ ફાતુમા ગેઈટી અહમદ ઉપરાંત, અન્ય નિયુક્ત લશ્કરી અગ્રણીઓમાં લશ્કરી વડાની ખાલી જગ્યા ભરવા જનરલ ચાર્લ્સ કાહારિરીને બઢતી અપાઈ છે.
મેજર જનરલ અહમદ 1983માં વિમેન સર્વિસ કોર્પ્સમાં જોડાવા સાથે તેમની લશ્કરી કારકિર્દીનો આરંભ થયો હતો. આ યુનિટ મુખ્યત્વે વહીવટી, મેડિકલ અને કોમ્યુનિકેશન્સ કામગીરી સાથે સંકળાયેલું હતું જેને 1999માં વિખેરી નખાયું હતું. આના પરિણામે, તેઓ મુખ્ય લશ્કરી સેવામાં સામેલ કરાયાં હતાં. પુરુષોના આધિપત્ય હેઠળની લશ્કરી નેતાગીરીમાં બ્રિગેડિયર અને મેજર જનરલની રેન્ક હાંસલ કરનારાં તેઓ પ્રથમ મહિલા છે.