નાઈરોબીઃ પુરુષોના મેરેથોન વિશ્વવિક્રમ વિજેતા 24 વર્ષીય કેન્યન દોડવીર કેલ્વિન કિપ્ટુમ અને તેના 36 વર્ષીય કોચ રવાન્ડાના ગેરવેઈઝ હાકિઝિમાનાનું પશ્ચિમ કેન્યામાં રવિવાર 11 ફેબ્રુઆરીએ એક માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. ગાડી ચલાવતા કિપ્ટુમે કંટ્રોલ ગુમાવ્યો હતો અને અકસ્માતમાં બંને પ્રવાસીના મોત નીપજ્યા હતા. આ સમાચારથી ખેલજગતને ભારે આંચકો લાગ્યો હતો. કેલ્વિન કિપ્ટુમ અને તેના હરીફ ઈલિઉડ કિપ્ચોગેને આ વર્ષના ઉત્તરાર્ધમાં યોજાનારી પેરિસ ઓલિમ્પિક્સ માટે પ્રોવિઝનલ મેરેથોન ટીમ તરીકે પસંદ કરાયા હતા.
કિપ્ટુમે 2023માં તેના સહદેશવાસી અને મહાન દોડવીરોમાં એક મેરેથોન દોડવીર ઈલિઉડ કિપ્ચોગેના પ્રતિસ્પર્ધી તરીકે નામના મેળવી હતી. કિપ્ટુમે ગત ઓક્ટોબરમાં કિપ્ચોગેની સિદ્ધિને વટાવી 26.2 માઈલ્સ (42 કિ.મી.)નું અંતર બે કલાક અને 35 સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું. કિપ્ટુમે તેની પ્રથમ મેરેથોન 2022માં દોડી હતી અને અત્યાર સુધી ચાર મેરેથોનમાં ભાગ લીધો હતો. તેની ટીમે હાલમાં જ જાહેર કર્યું હતું કે કિપ્ટુમ રોટરડામ મેરેથોનનું અંતર બે કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરવાનો ઈરાદો ધરાવે છે.
કેન્યાના સ્પોર્ટ્સ મિનિસ્ટર અબાબુ નામ્વામ્બા, વિપક્ષી નેતા અને પૂર્વ વડા પ્રધાન રાઈલા ઓડિન્ગા, વર્લ્ડ એથેલેટિક્સના પ્રેસિડેન્ટ સેબાસ્ટીઅન કો સહિત સંખ્યાબંધ અગ્રણીઓએ કિપ્ટુમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.