નાઈરોબીઃ આફ્રિકા અને ખાસ કરીને કેન્યામાં મેલેરિયા અને ડેન્ગ્યુ સહિતના રોગો વાઈરલ થઈ રહ્યા છે. ક્લાઈમેટ ચેઈન્જના પરિણામે મેલેરિયા, ડેન્ગ્યુ, રિફ્ટ વેલી ફીવર અને ચિકનગુનિયા સહિતના રોગોમાં ભારે વધારો થઈ રહ્યો છે ત્યારે ઈન્ટરનેશનલ લાઈવસ્ટોક એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ILRI) અને કેન્યા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (KEMRI) દ્વારા ઝૂનોટિક ડિસીઝ યુનિટ સાથે ભાગીદારીમાં ક્લાઈમેટ ચેઈન્જની મચ્છરોની પ્રજાતિઓ અને વસ્તી તેમજ રોગવાહક જીવાણુઓ-વાઈરસ થકી રોગના ફેલાવા પર થતી અસરોનો અભ્યાસ હાથ ધરાયો છે.
કેન્યાના દરેક વિસ્તારોમાં મચ્છરોની કઈ પ્રજાતિની હાજરી છે તેમજ તાપમાન, ભેજ, પવનની ગતિ અને દિશા સહિતના પર્યાવરણીય ઘટકોની તેના પર અસર વિશે પણ અભ્યાસ થઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના 2023ના મેલેરિયા રિપોર્ટમાં જણાવાયું છે કે 2022માં વિશ્વભરમાં મલેરિયાના આશરે 249 મિલિયન કેસ હતા જે મહામારી અગાઉ 2019ની સપાટી કરતાં 19 મિલિયન કેસ વધુ છે. આફ્રિકામાં આશરે 200 મિલિયન મેલેરિયા કેસ તેમજ તેનાથી 400,000 જેટલા મોત થયા હતા. આરોગ્ય સંસ્થાએ 2021માં સૌપ્રથમ અને 2023માં બીજી મેલેરિયા વેક્સિનને બહાલી આપી હતી. આફ્રિકાના ઘણા દેશમાં બંને વેક્સિન 2024માં કાર્યરત કરવામાં આવનાર છે.