પોર્ટ લુઈસઃ મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથે રવિવાર 10 નવેમ્બરની સંસદીય ચૂંટણીમાં સત્તાવાર પરિણામો જાહેર થવા પહેલા જ ભારે હાર સ્વીકારી લીધી છે. 2017થી વડા પ્રધાન રહેલા જુગનાથે 11 નવેમ્બર સોમવારે જણાવ્યું હતું કે તેમનુ ગઠબંધન ત્રણ વખતના વડા પ્રધાન નવીન રામગુલામના ગઠબંધન સામે કારમા પરાજયના માર્ગે છે. ચાર રાજકીય વિરોધપક્ષોના એલાયન્સ ઓફ ચેઈન્જ ગઠબંધનના નવીન રામગુલામ ત્રીજી વખત વડા પ્રધાન બનશે તે નિશ્ચિત થઈ ગયું છે.
સાઉદીની જેલોમાંથી 146 યુગાન્ડન મુક્ત
કમ્પાલાઃ સાઉદી અરેબિયાના વિવિધ જેલો અને સેન્ટર્સમાં અટકાયતમાં રખાયેલા 146 યુગાન્ડન વસાહતીઓને સાઉદી એમ્નેસ્ટીના પ્રયાસો થકી મુક્ત કરાયા છે અને સ્વદેશ પરત મોકલી અપાયા છે. યુગાન્ડા અને સાઉદી સરકાર વચ્ચે વાટાઘાટોનું આ સફળ પરિણામ છે. મિનિસ્ટ્રી ઓફ જેન્ડરના જણાવ્યા મુજબ 350થી વધુ યુગાન્ડન માઈગ્રન્ટ્સ યોગ્ય દસ્તાવેજોના અભાવ સહિત વિવિધ કાનૂની સમસ્યાઓ થકી સાઉદી અરેબિયા અને યુએઈના ડિટેન્શન સેન્ટર્સ અને જેલોમાં રખાયા છે. માઈગ્રન્ટ્સને પરત મોકલવાનો કાર્યક્રમ પહેલી નવેમ્બરથી શરૂ કરાયો છે અને 90 દિવસ સુધી ચાલશે.