કમ્પાલાઃ નોર્થ-ઈસ્ટ યુગાન્ડાના મોરોટોની સિંગિલા જેલમાંથી ૨૦૦થી વધુ કેદી ભાગી જતાં શહેરમાં સન્નાટો છવાઈ ગયો હતો. સુરક્ષા દળોએ તેમને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સુરક્ષા દળો તેમને શોધી ન શકે તે માટે તેઓ કેદીના પીળા યુનિફોર્મ કાઢીને નગ્ન હાલતમાં નાસી છૂટ્યા હતા.
કેદીઓ સાથે થયેલી અથડામણમાં યુગાન્ડા પીપલ્સ ડિફેન્સ ફોર્સીસ (UPDF)નો એક સૈનિક ઠાર મરાયો હતો. આ જેલ શહેરના છેડે માઉન્ટ મોરોટોની તળેટીમાં આવેલી છે. યુગાન્ડાના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ૧૫ સપ્ટેમ્બરે બપોરે ૪.૩૦ના સુમારે બનેલી આ ઘટનામાં એક કેદી ભાગી ગયો હતો જ્યારે, અન્ય ત્રણને ઝડપી લેવાયા હતા.
જોકે, મીડિયા સમક્ષ બોલવાનો અધિકાર ન હોવાથી પોતાની ઓળખ ન આપવાની શરતે સિક્યુરિટી અધિકારીઓએ જણાવ્યું હતું કે જેલમાંથી ૨૧૯ કેદીઓ ભાગી ગયા હતા. તેમાં મોટાભાગના ખૂંખાર ગુનેગારો છે. તેઓ માઉન્ટ મોરોટો તરફ નાસી છૂટ્યા તે પહેલા જેલના સુરક્ષાકર્મીઓની બંદૂકો છીનવીને લઈ ગયા હતા.
કમિશનર જનરલ યુગાન્ડા પ્રિઝન્સ જહોન્સન બ્યાબાશાઈજાએ જણાવ્યું હતું કે ભાગી છૂટતા પહેલા કેદીઓએ જેલના સ્ટાફને કાબૂમાં લઈ લીધો હતો અને ૧૫ રાઈફલો આંચકી ગયા હતા. UPDFના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ ફ્લેવિયા બાયકેસાવોએ ટ્વીટ કરીને જણાવ્યું કે તેમની ફરી ધરપકડ કરવા અને ચોરાયેલી બંદૂકો પાછી મેળવવા માટે UPDF દ્વારા ઓપરેશન ચાલી રહ્યું છે. તેમણે લોકોને શાંતિ જાળવવા અનુરોધ કર્યો હતો.
પોલીસ, લશ્કર અને પ્રિઝન વોર્ડર્સના સંયુક્ત દળો દ્વારા ભાગેડુ કેદીઓની થઈ રહેલી શોધખોળને પગલે મોરોટો મ્યુનિસિપાલિટીમાં શોપ્સ અને બિઝનેસીસ બંધ થઈ ગયા હતા.