કમ્પાલાઃ સામાન્ય માનવીની નજરે તો ઈસ્ટ આફ્રિકા માટે સિંગલ કરન્સીનું સ્વપ્ન સફળ થયાનું લાગે તેવી પોસ્ટ અગાઉના ટ્વીટર અને હાલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મૂકાઈ અને રાતોરાત લાખો લોકોએ નિહાળવા સાથે તે વાઈરલ થઈ હતી. આ બનાવટી કરન્સી મૂકનારા યુગાન્ડન મોસેસ હાબ્વા પણ આવી સફળતાથી આઘાતમાં આવી ગયા હતા. સિંગલ કરન્સી શીફ્રા (sheafra) ના સમાચારનું સત્ય ધીરે ધીરે બહાર આવી રહ્યું છે ત્યારે ઘણા લોકોએ આ વિચારને ઉત્સાહ સાથે આવકાર્યો હતો, ઘણાએ તેના નામ અને ડિઝાઈન વિશે ચર્ચાઓ શરૂ કરી હતી. જોકે, આઠ દેશોના બ્લોક ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી (EAC)એ આ નવા ચલણની વાત સાચી ન હોવાની સ્પષ્ટતા કરવી પડી છે.
‘ગવર્મેન્ટ ઓફ ઈસ્ટ આફ્રિકા’ના એકાઉન્ટ પર 5 શીફ્રાઝ (ઈસ્ટ આફ્રિકાના શિલિંગ્સ અને ફ્રાન્ક ચલણનું સંયુક્ત નામ) મૂલ્યની સ્પેસીમેન ચલણી નોટ મૂકવામાં આવી હતી. આ એકાઉન્ટ સાચું હોવાનું દર્શાવતી બે ગ્રે ટિક્સ X દ્વારા મૂકાઈ હતી જેથી તેને વિશ્વસનીયતા સાંપડી હતી. સ્પેસીમેન 5 શીફ્રાઝ ચલણી નોટમાં કોટ ઓફ આર્મ્સ અને સેન્ટ્રલ બેન્ક ગવર્નરની સહી માટેની જગ્યા પણ રખાઈ હતી. ગત રવિવારે મૂકાયેલી મૂળ પોસ્ટ્સને લાખો વખત જોવાઈ હતી તેમજ મુખ્ય બ્લોગ્સ અને કેન્યામાં લોકપ્રિય ઓનલાઈન મીડિયા આઉટલેટ પર તેને મૂકાવા સાથે તે વાઈરલ થઈ હતી. આ નોટનું લોન્ચિંગ થયાના અહેવાલો વહેતા થયા હતા. ઉલ્લેખનીય છે કે ઈસ્ટ આફ્રિકાની સિંગલ કરન્સી માટે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.
બનાવટી સિંગલ કરન્સીને વહેતી મૂકનારા યુગાન્ડન મોસેસ હાબ્વા પોતાને અસ્તિત્વ નહિ ધરાવતા ‘ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ આફ્રિકા’નો રખેવાળ ગણાવે છે અને તેને પણ આ સમાચાર જે રીતે ફેલાયા અને લોકોનું ધ્યાન ખેંચાયું તે બાબતે ભારે આશ્ચર્યમાં છે. તેણે બીબીસીને જણાવ્યું હતું કે તે આ વિસ્તારના લોકોમાં આશાનો સંચાર કરવા માગતો હતો. મોસેસ હાબ્વા રહસ્યમય વ્યક્તિ છે જે ઈન્ટેલિજન્સ ફિલ્ડમાં કામ કર્યાનો અને તેની કંપની પ્રાઈવેટ ઈન્વેસ્ટિગેશન કરતી હોવાનો દાવો કરે છે. તેની આગેવાની હેઠળનું ગ્રૂપ ત્રણ મહિનાથી શીફ્રાના વિવિધ મૂલ્યોની સ્પેસીમેન ઈમેજીસ સોશિયલ મીડિયા પર મૂકતું આવ્યું છે.