એન્ડિયાગોઃ નોર્થવેસ્ટ આફ્રિકાનાં દેશ મૌરિટાનિયાના સમુદ્રીતટે હોડી પલટી જવાથી 105 પ્રવાસીઓનાં મોત થયા હતા. પહેલી જુલાઈની આ દુર્ઘટના સમયે હોડીમાં 170 પ્રવાસી હતા જેઓ યુરોપ જઈ રહ્યા હતા. વર્ષ 2024માં પહેલા પાંચ મહિનામાં આવી ઘટનાઓમાં 5,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. મૌરિટાનિયાનાં કોસ્ટગાર્ડ દ્વારા રાહત અને બચાવ કામગીરીમાં 90થી વધુ પ્રવાસીનાં મૃતદેહો એકઠા કરાયા હતા. રાહત અને બચાવ ટુકડી દ્વારા 5 વર્ષની એક બાળકી સહિત 9 લોકોને બચાવી લેવાયાં હતાં.
આફ્રિકન માઈગ્રન્ટ્સ સાથેની આ માછીમાર હોડી સેનેગલ અને ગામ્બીઆ વચ્ચેની સરહદેથી યુરોપ જઈ રહી હતી. પશ્ચિમ આફ્રિકાનાં દરિયાકાંઠેથી કેનરી દ્વીપઆઈલેન્ડ જવા માટેનો એટલાન્ટિક દરિયાઈ માર્ગ સૌથી વધુમાં વધુ ઘાતક દરિયાઈ માર્ગ છે. આફ્રિકન માઈગ્રન્ટ્સ સામાન્ય રીતે સ્પેન જવા આ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરે છે. ગરમીનાં દિવસોમાં પ્રવાસીઓ આ માર્ગનો વધુમાં વધુ ઉપયોગ કરે છે.