દારે સ્સલામઃ યુએસએના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે બુધવાર 29 માર્ચે ટાન્ઝાનિયાની મુલાકાત દરમિયાન દેશમાં વેપાર વધારવા અને રોકાણોને પ્રોત્સાહન આપવાની યોજનાઓ તેમજ યુએસની એક્ઝિમ બેન્ક અને ટાન્ઝાનિયા વચ્ચે સહિત વેપાર ઈનિશિયેટિવ્ઝની યાદી જાહેર કરી હતી. કમલા હેરિસે ટાન્ઝાનિયાના પ્રમુખ સામીઆ સુલુહુ હાસનની મુલાકાત પણ લીધી હતી.
આફ્રિકામાં ચીન અને રશિયાનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે આફ્રિકન દેશો સાથે સંબંધો મજબૂત બનાવવા યુએસના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે 26 માર્ચ રવિવારે ઘાના, બુધવાર 29 માર્ચે ટાન્ઝાનિયાની અને શુક્રવાર 31 માર્ચે ઝામ્બિયાની મુલાકાત લીધી હતી. યુએસ કંપનીઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન, ડિજિટલ ટેકનોલોજી, ક્લાઈમેટ અને એનર્જી સિક્યોરિટી અને વીજ ઉત્પાદનના ક્ષેત્રોમાં ટાન્ઝાનિયાને માલસામાન એને સર્વિસીસની નિકાસ કરી શકે તેવી સમજૂતીઓ થઈ હતી. હેરિસે 5G ટેકનોલોજી અને સાઈબરસિક્યોરિટીમાં નવી પાર્ટનરશિપની પણ જાહેરાત કરી હતી. યુએસની લાઈફઝોન મેટલ્સ યોજના દ્વારા ટાન્ઝાનિયામાં ઈલેક્ટ્રિક વાહનોની બેટરીઓના ઉત્પાદનમાં જરૂરી મિનરલ્સ માટે નવો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થપાશે.
ઉલ્લેખનીય છે કે ચીને ગત બે દાયકામાં આફ્રિકામાં જંગી રોકાણો કર્યા છે અને ગત નવેમ્બરમાં ટાન્ઝાનિયાના પ્રમુખ હાસને વેપાર અને રોકાણોના એજન્ડા સાથે ચીનની મુલાકાત દરમિયાન ચીનના પ્રેસિડેન્ટ શી જિન પિંગ સાથે મીટિંગ કરી હતી.