વોશિંગ્ટન,નાઈરોબીઃ યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડેને ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે આવેલા કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોને વ્હાઈટ હાઉસમાં ભાવભીનું સ્વાગત કર્યું હતું. કેન્યા 2008 પછી સૌપ્રથમ આફ્રિકન દેશ છે જેને યુએસ દ્વારા સત્તાવાર મુલાકાતનું સન્માન અપાયું છે. બુધવાર 22 મેએ યુએસના ફર્સ્ટ લેડી જિલ બાઈડેને જોઈન્ટ બેઝ એન્ડ્રયુ ખાતે મુલાકાતી પ્રેસિડેન્ટ વિલિયમ રુટો અને તેમના પત્ની રાચેલ રુટોને આવકાર્યાં હતાં.
ગુરુવાર 23 મેએ પ્રેસિડેન્ટ બાઈડેન અને પ્રેસિડેન્ટ રુટોએ દ્વિપક્ષીય મંત્રણાઓ આદરી હતી જેના પગલે ગ્રીન એનર્જી, એજ્યુકેશન અને હેલ્થ સેક્ટરમાં ઉત્પાદનમાં રોકાણો, ટેકનોલોજી અને સુરક્ષા તેમજ કેન્યાના દેવાંબોજ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી હતી. બંને દેશ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર પણ વ્યૂહાત્મક સંવાદ શરૂ કરશે. ગુરુવાર સાંજે રુટોના માનમાં ભવ્ય ડિનર સમારંભનું આયોજન કરાયું હતું જેમાં, પૂર્વ પ્રમુખો બિલ ક્લિન્ટન અને બરાક ઓબામા ઉપરાંત, વોલમાર્ટ અને ફાઈઝરના સીઈઓ તેમજ અન્ય મહત્ત્વના વ્યક્તિત્વો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્યાને બિન-નાટો સાથી દેશનો દરજ્જોઃ અમેરિકા કેન્યાને મહત્ત્વના બિન-નાટો સાથી દેશનો દરજ્જો આપશે. કેન્યા આવો દરજ્જો મેળવનાર સૌપ્રથમ સબ-સહારાન આફ્રિકન દેશ છે. આના થકી કેન્યાની નેશનલ પોલીસ સર્વિસને અદ્યતન બનાવવા 7 મિલિયન ડોલરની સહાય મળશે. ઈઝરાયેલ, બ્રાઝિલ અને ફિલિપાઈન્સ સહિત 18 દેશ આવો દરજ્જો ધરાવે છે. યુએસ વર્ષોથી આફ્રિકામાં ત્રાસવાદવિરોધી પ્રયાસોમાં કેન્યાનો સહકાર મેળવતું રહ્યું છે. કેન્યાએ યુએસ દ્વારા લોન્ચ કરાયેલા યુક્રેન ડિફેન્સ કોન્ટેક્ટ ગ્રૂપમાં ભાગ લીધો છે.
કરજ અને ફાઈનાન્સઃ બે દેશો દ્વારા નાઈરોબી-વોશિંગ્ટન વિઝન લોન્ચ કરાયું છે જે હેઠળ કેન્યા જેવાં દેવાંગ્રસ્ત દેશોને આર્થિક વૃદ્ધિમાં રોકાણો કરવા સાથે દેવાંના સંચાલનમાં મદદની હાકલ કરાઈ છે. યુએસ દ્વારા ગરીબ દેશોને સપોર્ટ કરવા આઈએમએફના ગરીબી ઘટાડા અને વિકાસ ટ્રસ્ટને 21 બિલિયન ડોલર સુધીનું ધીરાણ પ્રાપ્ત કરાશે. આ ઉપરાંત, વિશ્વ બેન્કના આંતરરાષ્ટ્રીય ડેવલપમેન્ટ એસોસિયેશનને 520 મિલિયન ડોલર આપવામાં આવશે.
ક્લાઈમેટઃ બંને દેશો દ્વારા યુએસ-કેન્યા ક્લાઈમેટ એન્ડ ક્લીન એનર્જી ઈન્ડસ્ટ્રીઅલ પાર્ટનરશિપની જાહેરાત કરાઈ છે. ક્લીન એનર્જી ઉત્પાદન અને સર્વિસીસ માટે આંતરરાષ્ટ્રીય નાણાસંસ્થાઓ અને ટ્રસ્ટ ફંડો દ્વારા ઈન્વેસ્ટમેન્ટ્સને ઉત્તેજન મેળવવાની યોજના છે. અમેરિકી કંપની વિરુન્ગા પાવર કેન્યામાં 6 હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ માટે 100 મિલિયન ડોલરનું રોકાણ કરશે. મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન દ્વારા મહિલાઓ, વંચિતો અને રાહદારીઓને સલામત પરિવહન માટે ચાર વર્ષના પ્રોગ્રામ હેઠળ 60 મિલિયન ડોલરની ગ્રાન્ટ આપવામાં આવશે.
આરોગ્યઃ યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન અને કેન્યા સરકાર આરોગ્યના ક્ષેત્રે માહિતીના આદાનપ્રદાન સાથે કેન્યન નેસનલ પબ્લિક હેલ્થ ઈન્સ્ટિટ્યૂટ લોન્ચ કરવાની દિશામાં કામ કરશે. કેન્યાની કંપની હેવા ટેલીને 10 મિલિયન ડોલરની સીધી લોન અપાશે તેમજ કાશા ગ્લોબલમાં ઈક્વિટી રોકાણો કરાશે.
એજ્યુકેશનઃ યુએસ વહીવટીતંત્ર કેન્યાના 60 અંડરગ્રેજ્યુએટ્સને યુએસમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનીઅરીંગ અને મેથેમેટિક્સના એક સેમેસ્ટરના અભ્યાસ માટે 3.3 મિલિયન ડોલરની જોગવાઈ કરશે. આ ઉપરાંત, યુએસની યુનિવર્સિટીઓ કેન્યાની યુનિવર્સિટીઓમાં ઈન્વેસ્ટમેન્ટ્સ કરે તેના પ્રોત્સાહન સાથે કેન્યાના વિદ્યાર્થીઓ માટે 500,000 ડોલરનો સપોર્ટ આપશે.