ન્યૂ યોર્ક, નાઈરોબીઃ ઈસ્ટ આફ્રિકા દુકાળ, વધતા ભાવ અને સંઘર્ષોના પડકારો અનુભવી રહ્યું છે ત્યારે યુકે દ્વારા માનવતાવાદી સહાયમાં કાપ મૂકાતા સ્વૈચ્છિક સંસ્થાઓએ તેને અપમાનજનક અને ટુંકી દૃષ્ટિનો નિર્ણય ગણાવ્યો છે. ન્યૂ યોર્કમાં યુકેની સહઅધ્યક્ષતા સાથેની યુએનની બાંયધરી કોન્ફરન્સમાં યુકેના ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટર એન્ડ્રયુ મિચેલે 143 મિલિયન પાઉન્ડના માનવતાવાદી સહાય પેકેજની જાહેરાત કરી હતી જે ગયા વર્ષ કરતાં 13 મિલિયન પાઉન્ડ ઓછી છે.
યુએનના અંદાજ મુજબ સતત પાંચ નિષ્ફળ વર્ષાઋતુ, પૂર અને સંઘર્ષોના લીધે ઈસ્ટ આફ્રિકાના 72 મિલિયન લોકોને આ વર્ષે માનવતાવાદી સહાયની જરૂર પડશે. મોટા ભાગની સમસ્યા સોમાલિયાની છે જ્યાં એક મિલિયનથી વધુ લોકોએ ઘરબાર છોડી નાસી જવું પડ્યું છે. યુએન રેફ્યુજી એજન્સી UNHCR અને નોર્વેજિયન રેફ્યુજી કાઉન્સિલના ડેટા મુજબ પાંચ મહિનાથી ઓછાં સમયમાં 10 લાખ લોકો વિસ્થાપિત બન્યા છે
ઓક્સફામ ખાતે પોલિસી એન્ડ એડવોકસીના વડા કાતી ચક્રવર્તીએ જણાવ્યું હતું કે ફંડમાં કાપ મૂકતી યુકેની જાહેરાત આ વિસ્તારમાં જીવનને ભયમાં મૂકતી અન્ન અસલામતીનો સામનો કરી રહેલા લાખો લોકો સાથે દ્રોહ છે. કોન્ફરન્સનું સહાધ્યક્ષ હોવાથી યુકે તેની ફરજ ચૂકવાનું દોષી છે. માનવતાવાદી પ્રતિભાવ એક્શનએઈડ યુકેના વડા માઈક નોયસે પણ ખાસ જરૂર છે ત્યારે ભંડોળમાં કાપની ભારે ટીકા કરી હતી. યુકેએ આ વર્ષે સોમાલિયાને 48 મિલિયન પાઉન્ડ આપ્યા છે જે ગયા વર્ષના 62 મિલિયન પાઉન્ડથી ઓછાં અને 2021માં અપાયેલા ફંડથી અડધાથી પણ ઓછાં છે. ઈથિયોપિયાને 42 મિલિયન પાઉન્ડ, સુદાનને 21.7 મિલિયન પાઉન્ડ તથા કેન્યા, યુગાન્ડા અને સાઉથ સુદાનને પણ નાની રકમ ફાળવાઈ છે