ખાર્ટૂમઃ સુદાનના આંતરિક વિગ્રહમાં સામસામે આવેલા બે લશ્કરી જૂથોના નેતાઓ સાથે સંકળાયેલા કુલ છ બિઝનેસીસ પર યુકેએ વેપારી પ્રતિબંધો લાદ્યા છે. આ બ્રતિબંધોના પરિણામે સંબંધિત બિઝનેસ કંપનીઓની યુકેસ્થિત મિલકતો હશે તો તેને સ્થગિત કરી દેવાશે.
આ પ્રતિબંધો સુદાનમાં સત્તાની સાઠમારીમાં આમનેસામને રહેલા નિયમિત લશ્કર સુદાનીઝ આર્મ્ડ ફોર્સીસ (SAF) અને તેના હરીફ પેરામિલિટરી દળો રેપિડ સપોર્ટ ફોર્સીસ (RSF) સાથે સંકળાયેલા બિઝનેસીસને લાગુ કરાશે. ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ જણાવ્યું હતું કે, આ પ્રતિબંધો જેની કામગીરીથી લાખો લોકોનો જીવ ગયો છે તે બિઝનેસીસને નિશાન બનાવશે. બંને પક્ષોએ યુદ્ધમાં અનેક વખત યુદ્ધવિરામોનું ઉલ્લંઘન કર્યું છે જેને વાજબી ઠરાવી શકાય નહિ. ફોરેન ઓફિસના જણાવ્યા અનુસાર લગભગ ત્રણ મહિનાની હિંસાના કારણે આશરે 25 મિલિયન લોકોને માનવતાવાદી સહાયની જરૂર પડી છે જેમાં, 2.2 મિલિયનથી વધુ લોકો વિસ્થાપિત બન્યા છે.
ત્રણ કંપનીઓ અલ જૂનૈદ, GSK એડવાન્સ કંપની લિમિટેડ અને ટ્રેડિવ જનરલ ટ્રેડિંગ કંપની RSF સાથે સંકળાયેલી છે જ્યારે ડિફેન્સ ઈન્ડસ્ટ્રીઝ સિસ્ટમ્સ, સુદાન માસ્ટર ટેકનોલોજી અને ઝાદ્ના ઈન્ટરનેશનલ કંપની ફોર ઈન્વેસ્ટમેન્ટ SAF સાથે સંકળાયેલી છે