કિગાલીઃ એસાઈલમ સીકર્સ માઈગ્રન્ટ્સ મુદ્દે યુકે સાથે થયેલી સમજૂતી અંગે રવાન્ડાના પ્રમુખ પોલ કાગેમે સ્પષ્ટતા કરી છે કે આ સમજૂતીનો અર્થ એવો નથી કે રવાન્ડા માણસોની હેરફેર કે વેપાર કરે છે. પ્રમુખ કાગેમે જણાવ્યું છે કે, આ સમજૂતીમાં રવાન્ડાની તૈયારી પાછળ 120 મિલિયન પાઉન્ડના ભંડોળનું કારણ પણ નથી.
યુએસની બ્રાઉન યુનિવર્સિટીના એક વર્ચ્યુઅલ સેમિનારમાં પ્રમુખ કાગેમે જણાવ્યું કે, અમે માણસોની હેરફેર કે વેપાર કરતા નથી પરંતુ, મદદ કરીએ છીએ. ખરેખર તો રવાન્ડાની લિબિયન કામગીરીના કારણે રવાન્ડાનો સંપર્ક કરાયો હતો. યુરોપ ઓળંગી રહેલા પ્રવાસીઓ લિબિયામાં ફસાયા હોય ત્યારે તેમને આશ્રય આપવા રવાન્ડાની તૈયારી વિશે 2018માં નિર્ણય લેવાયો હતો જ્યારે કાગેમ આફ્રિકન યુનિયનના વડા હતા. લગભગ 1,000 માઈગ્રન્ટ્સને પ્રોસેસિંગ માટે રવાન્ડામાં સ્થાયી કરાયા છે, અને તેમાંના બે-તૃતીયાંશ જેટલા લોકોને યુરોપિયન તથા કેનેડાના દેશોમાં સ્થિર કરાયા છે.
પ્રમુખ કાગેમ કોંગો-બ્રાઝેવિલા, જમૈકા તથા બાર્બાડોસના પ્રવાસે હતા ત્યારે યુકે સાથે સમજૂતી ઉપર હસ્તાક્ષર કરાયા હતા. નાની બોટ્સમાં યુકે પહોંચવા માગતા એસાઈલમ સીકર્સને પ્રોસેસિંગ તથા રિસેટલમેન્ટ માટે રવાન્ડા મોકલવામાં આવશે તેમ આ સમજૂતી જણાવે છે.
આ વિવાદાસ્પદ સમજૂતી અંગે વિપક્ષ સહિતના વિવિધ લોકો તરફથી ટીકા થઈ રહી છે. રવાન્ડામાં બે વિરોધપક્ષોએ તેને 'અવાસ્તવિક ડીલ' તરીકે ઓળખાવીને જણાવ્યું છે કે, સરકારે ‘અમીર દેશોનો ભાર હળવો કરવાને બદલે’ સ્થાનિક પ્રશ્નો ઉકેલવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તો, કેટલાક વિશ્લેષકોએ આ સોદાબાજીના પરિણામે દેશ ઉપર પડનારી ગંભીર આર્થિક અસરો અંગે ચેતવણી ઉચ્ચારી છે.