કમ્પાલાઃ યુગાન્ડામાં આતંકવાદીઓ હુમલો કરે તેવી શક્યતા હોવાની ચેતવણી યુકેએ યુગાન્ડાને આપી હતી. પરંતુ, પોલીસે ચેતવણીનું લેવલ વધારવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. તાજેતરમાં એક નિવેદનમાં યુકે સરકારે ત્યાં રહેલા તેના નાગરિકોને ખાસ કરીને ભીડવાળા અને હોટલ, ટ્રાન્સપોર્ટ હબ, રેસ્ટોરન્ટ અને બાર જેવા જાહેર સ્થળોએ અને રમતગમતના અથવા ધાર્મિક મેળાવડા દરમિયાન પોતાની સલામતી વિશે ખૂબ સતર્ક રહેવા જણાવ્યું હતું. વિદેશીઓ જે સ્થળોની મુલાકાત લે છે તે સહિત અન્ય સ્થળોએ શ્રેણીબદ્ધ હુમલા થઈ શકે. સંભવિત હુમલા વિશે યુકે કાઉન્ટર ટેરરીઝમ પોલીસીંગ પાસે માહિતી છે.
યુગાન્ડા પોલીસ પ્રવક્તા ફ્રેડ એનાન્ગાએ દેશમાં સ્લીપર સેલ હાજર હોવાને સમર્થન આપ્યું હતું અને ઉમેર્યું હતું કે તેમને નિષ્ક્રિય કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
જોકે, યુકેએ કયા આતંકવાદી ગ્રૂપથી ખતરો છે તેનો ઉલ્લેખ કર્યો નથી. યુગાન્ડા સિકયુરિટી એજન્સીઝે તાજેતરમાં અલાઈડ ડેમોક્રેટિક ફોર્સીસ (ADF)ના બળવાખોરો આતંકી હુમલાનો પ્રયાસ કરતા હોવાનો તેના પર આરોપ લગાવ્યો હતો.
૨૦૨૦થી કોવિડ – ૧૯ને લીધે લોકડાઉન અને અન્ય નિયંત્રણોથી ખૂબ નુક્સાનમાં રહેલા યુગાન્ડાના ટુરિઝમ ક્ષેત્ર પર યુકેની આ ચેતવણીની નકારાત્મક અસર પડી શકે છે. દર વર્ષે યુકેના લગભગ ૩૫,૦૦૦ પ્રવાસીઓ યુગાન્ડાની મુલાકાત લે છે.