લંડનઃ યુકેના વડા પ્રધાન બોરિસ જહોન્સન અને કેન્યાના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએે વધુ મિલિયન્સ બાળકોને જીવન પરિવર્તન કરે તેવું શિક્ષણ અપાવવાના પ્રયાસ કરવા દુનિયાના નેતાઓને અપીલ કરી હતી. લંડનમાં બે દિવસની ગ્લોબલ એજ્યુકેશન સમિટની સહયજમાની કરતાં તેમણે દુનિયાભરમાં ઘણાં યુવાનો પર કોરોના મહામારીની ગંભીર અસર થઈ રહી છે તે જોતાં આ અપીલ કરી હતી. દુનિયાભરમાં સ્કૂલો બંધ થઈ ગઈ હોવાથી ૬૫૦ મિલિયન છોકરીઓ સહિત ૧.૩ બિલિયન બાળકો શિક્ષણથી વંચિત થયા હતા. નિષ્ણાતો મુજબ તેમાંથી ઘણાં સ્કૂલે પાછા ફરશે નહીં.
કેન્યાના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટા યુકેની સત્તાવાર મુલાકાતેથી આ વીકેન્ડમાં પાછા ફર્યા હતા. બોરિસ જહોન્સને તેમને ૧૯૬૨ ઈસ્ટ આફ્રિકન સફારી રેલીનું કાર મોડેલ ભેટ તરીકે આપ્યું હતું. જહોન્ને જણાવ્યું હતું કે કેન્યાટાને કાર રેલીનો ખૂબ શોખ છે અને કેન્યામાં આ વર્ષે કાર રેલીનું આયોજન કરાયું છે અને તેની સફળતાની શુભેચ્છા તરીકે તેમણે કાર મોડેલ આપ્યું હતું.
ઉહુરુ કેન્યાટા ગયા બુધવારે રાત્રે લંડન પહોંચ્યા હતા. યુકેના વડા પ્રધાન બોરિસ જહોન્સન અને કેન્યાટા ગુરુવારે બપોરે ચેકર ખાતે મળ્યા હતા અને જીવનરક્ષક ભેટની જાહેરાત કરી હતી અને કોવિડ વેક્સિનના ૮૦૦,૦૦૦ ડોઝ કેન્યાને આપ્યા હતા.
યુકેએ જૂનમાં G – 7 ની બેઠકમાં ગ્લોબલ વેક્સિન પ્રોગ્રામ હેઠળ ગરીબ દેશોને વેક્સિનના ૧૦૦ મિલિયન ડોઝ આપવાનું વચન આપ્યું હતું તેના ભાગરૂપે આ એસ્ટ્રાઝેનેકા વેક્સિનનો પ્રથમ જથ્થો છે. બ્રિટન તરફથી જે અન્ય દેશોને વેક્સિન મળવાની છે તેની વિગતો થોડા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. બોરિસ જહોન્સને સપ્ટેમ્બરના અંત સુધીમાં આ દેશોને ૫ મિલિયન ડોઝ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી
યુકેએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય કોવેક્સિન પ્રોગ્રામની રચનામાં મદદ કરી હતી અને આ સ્કીમમાં ૫૪૮ મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરનાર તે ચોથો સૌથી મોટો ડોનર છે.
સરકારી સૂત્રો દ્વારા જણાવાયું હતું કે અન્ય દેશો પણ આ મહામારી પર કાબૂ મેળવે તે માટે યુકે તેમને મદદ કરવા માંગે છે.