જોહાનિસબર્ગઃ ગેરકાયદે માઈગ્રન્ટ્સ મુદ્દે રવાન્ડા જેવી સમજૂતીની શક્યતા બાબતે બ્રિટિશ સરકારની ઓફરનો ઉત્તર આપતા નામિબિયાએ યુકેમાંથી એક પણ માઈગ્રન્ટ નહિ સ્વીકારીએ તેવી સ્પષ્ટ ચેતવણી આપી છે. બોટ્સવાનાએ પણ બ્રિટનના ગેરકાયદે માઈગ્રન્ટ્સ અને એસાઈલમ સીકર્સને સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
નામિબિયાની મિનિસ્ટ્રી ઓફ ઈન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ કો-ઓપરેશન (Mirco)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પેન્ડા નાનદાએ જણાવ્યું હતું કે, ‘અમે યુકેમાંથી માઈગ્રન્ટ્સ સ્વીકારીશું નહિ, ભલે તે એક પણ હોય. અમારા પર લોકો થોપી દેવાય તે અમે ચલાવી નહિ લઈએ. બોટ્સમાં ભરાઈ નોકરીઓ અને આર્થિક લાભો શોધવા યુકે જનારા લોકોને અમારે શા માટે લેવા જોઈએ? કોઈ દેશને માઈગ્રન્ટ્સ સ્વીકારવા કહી શકાય નહિ.’ Mircoએ જણાવ્યું હતું કે રવાન્ડાએ સ્વીકારી છે તેવી બ્રિટનની એસાઈલમ યોજનાનો ભાગ બનવા યુકે સરકારે તેમનો સંપર્ક કર્યો હતો જેનો ઈનકાર કરી દેવાયો છે.
યુકેએ ભૂતકાળમાં નામિબિયાના એસાઈલમ સીકર્સ સ્વીકાર્યા છે. જોકે, નામિબિયાએ દાવો કર્યો હતો કે 90 ટકા અરજીઓ નકારી કઢાઈ હતી. 2022માં નામિબિયાની કુલ 861 વ્યક્તિએ યુકેમાં રાજ્યાશ્રય માટે અરજી કરી હતી જેમાંથી બહુમતી જાતિય વલણને સંબંધિત હતી. 2016માં માત્ર 16 એસાઈલમ અરજીઓ હતી. 2016થી 2020 સુધીના ગાળામાં 61 નામિબિઅન્સને રાજ્યાશ્રય અપાયો હતો.
રવાન્ડા સાથે સમજૂતી પછી યુકે ત્રીજા દેશોમાં ડિપોર્ટેશન સમજૂતી માટે શોધ ચલાવી રહેલ છે અને આર્મેનિયા, આઈવરી કોસ્ટ, કોસ્ટા રિકા અને બોટ્સવાના સાથે વાતચીત ચાલી રહી હોવાના અહેવાલો લીક થયા હતા. નામિબિયાએ ઓગસ્ટ 2021માં જ ચર્ચામાં જોડાવા ઈનકાર કરી દીધો હતો ત્યારે ફોરેન ઓફિસે સમજી લીધું હતું કે નાણાકીય પ્રોત્સાહનોથી પણ તેને સમજાવી શકાય તેમ નથી. બીજી તરફ, બોટ્સવાનાના વિદેશપ્રધાન ડો. લેમોગેન્ગ ક્વાપેએ પણ તેમના દેશે માઈગ્રન્ટ્સ અને એસાઈલમ સીકર્સને સ્વીકારવાની બ્રિટિશ ઓફરને નકારી કાઢી છે. ડો. ક્વાપેએ કહ્યું હતું કે બ્રિટિશ સરકાર આ લોકોને તેમના દેશમાં ઈચ્છતી ન હોવાથી તેમને દૂરદૂરના દેશોમાં ધકેલી દેવા માગે છે.