કમ્પાલાઃ યુગાન્ડાના વિપક્ષી નેતા બોબી વાઈન ઊર્ફ રોબર્ટ ક્યાગુલાન્યીને 3 સપ્ટેમ્બરે પોલીસ સાથે અથડામણમાં ડાબા પગે ટીઅરગેસ કેનિસ્ટર વાગી જવાથી હોસ્પિટલ લઈ જવાયા હતા અને નાની સર્જરી પછી ડિસ્ચાર્જ કરાયા હતા. અગાઉ, તેમની પાર્ટી નેશનલ યુનિટી પ્લેટફોર્મના અહેવાલો મુજબ સમર્થકો સાથે મીટિંગમાં જઈ રહેલા બોબી વાઈનનો જીવ લેવા પ્રયાસ થયો હતો અને પોલીસના ગોળીબારમાં ડાબા પગે ઈજા પહોંચી હતી. પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરાઈ છે.
યુગાન્ડાની પોલીસે જણાવ્યું હતું કે બોબી વાઈનને સરઘસ નહિ કાઢવા જણાવાયું હતુ. જોકે, વાઈને સલાહ અવગણી માર્ગ બંધ કરવાનો આગ્રહ રાખ્યો હતો જેના પરિણામે અથડામણ થઈ હતી. વિરોધપક્ષો અને માનવાધિકાર કર્મશીલોએ પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની વિપક્ષી અવાજ રુંધવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. 2021ની ચૂંટણીમાં પ્રેસિડેન્ટ મુસેવેનીને પડકાર ફેંકનારા વાઈનને અનેક વખત નજરકેદમાં રખાયા હતા અને તેમની રેલીઓને બળપૂર્વક વિખેરી નખાઈ હતી.