લંડન
ફ્રાન્સની કંપની ટોટલ એનર્જીઝ દ્વારા યુગાન્ડા અને ટાન્ઝાનિયામાં શરૂ કરાયેલા ઓઇલ પ્રોજેક્ટનો પેરિસ ખાતે પર્યાવરણ એક્ટિવિસ્ટો, ધાર્મિક આગેવાનો અને શ્રદ્ધાળુઓ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. દક્ષિણ પેરિસમાં ટોટલ એનર્જીઝના ગેસ સ્ટેશન સામે એક્સટિન્કશન રેબેલિયન સ્પિરિચ્યુઆલિટીઝ અને ગ્રીન ફેઇથના કાર્યકરો દ્વારા આ પ્રદર્શન આયોજિત કરાયું હતું.
દેખાવકારો યુગાન્ડા અને ટાન્ઝાનિયામાં ટોટલ એનર્જીઝ દ્વારા શરૂ કરાયેલા ઇસ્ટ આફ્રિકન ક્રુડ ઓઇલ પાઇપલાઇન અને ટિલેન્ગા ઓઇલ ફિલ્ડ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યાં છે. દેખાવકારોનો આરોપ છે કે મલ્ટીનેશનલ કંપની આ પ્રોજેક્ટોની આડમાં જમીનો પર કબજો જમાવી રહી છે. તેમણે આ પ્રોજેક્ટોના કારણે પર્યાવરણ પર થનારી અસરો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
દેખાવોમાં જોડાયેલા રાબ્બી યેશાયા ડાલસેસે જણાવ્યું હતું કે, અમારી પરંપરાઓ અને ધર્મો અમને મૂક પ્રેક્ષક બની ન રહેવા અપીલ કરી રહ્યાં છે. દેખાવોમાં યહૂદી, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મગુરૂઓ પણ સામેલ થયાં હતાં.
યુગાન્ડા અને ટાન્ઝાનિયામાં ટોટલ એનર્જીઝ સામે ઘણી પર્યાવરણ એનજીઓએ કોર્ટમાં દાવા દાખલ કર્યાં છે. કંપની 7મી ડિસેમ્બરે પેરિસની કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરશે.
કંપની દ્વારા યુગાન્ડામાં શરૂ કરાયેલા ટિલેન્ગા પ્રોજેક્ટ અંતર્ગત 419 કૂવા ખોદાશે. આ પ્રોજેક્ટનો 33 ટકા હિસ્સો નેચરલ પાર્કમાં આવે છે. તેવી જ રીતે ઇસ્ટ આફ્રિકન ક્રુડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટમાં યુગાન્ડા અને ટાન્ઝાનિયામાં 1500 કિમી લાંબી પાઇપલાઇન બિછાવવાની યોજના છે.. આ પાઇપલાઇન ઘણા સંરક્ષિત વિસ્તારોમાંથી પસાર થવાની હોવાથી પર્યાવરણ અને વન્ય પ્રજાતિઓ પર જોખમ તોળાઇ રહ્યું છે.