જોહાનિસબર્ગઃ આફ્રિકાના ત્રણ દેશોના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુગાન્ડાની સંસદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુગાન્ડા આફ્રિકાનો હીરો છે. ભારત આતંકવાદ અને કટ્ટરવાદ સામેની લડાઇમાં ભારત આફ્રિકા સાથે સહકાર મજબૂત બનાવશે. યુગાન્ડાની સંસદને સંબોધન કરનારા મોદી પ્રથમ ભારતીય વડા પ્રધાન છે. તેમણે જણાવ્યું હતું કે, આફ્રિકા ભારતની ટોચની પ્રાથમિકતા બની રહેશે. ૧૦ સિદ્ધાંતોના આધારે ભારત આફ્રિકાની સાથે સંકળાયેલો રહેશે. અમે આફ્રિકા સાથેના સંબંધો વધુ મજબૂત બનાવીશું.
મોદીએ જણાવ્યું હતું કે, યુગાન્ડાના જિન્જા ખાતે ભારત ગાંધી હેરિટેજ સેન્ટરનું નિર્માણ કરાશે. ભારત- યુગાન્ડાને એકબીજા સાથે સાંકળવામાં ભારતીયોનો મોટો હિસ્સો છે. અમે ૪૦ આફ્રિકી દેશોમાં ૧૧ બિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટનો અમલ કરવા માગીએ છીએ. વડા પ્રધાને બંને દેશો વચ્ચે સરળ વેપાર અને મુક્ત બજારોની ચર્ચા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે અમારા બજારો ખુલ્લાં રાખીશું અને ભારત સાથેનો વેપાર સરળ બનાવીશું.
મોદીએ કહ્યું હતું કે આફ્રિકા સાથે ભારતનો નાતો મજબૂત છે અને તેમાં યુગાન્ડા ખાસ છે. ભારત આફ્રિકાને વધુમાં વધુ સહયોગ આપવા માટે આતુર છે અને ભારત અને યુગાન્ડા વચ્ચેના સંબંધો હજુ પણ સુદૃઢ બનાવવા ભારત કટિબદ્ધ છે.
ભારતીય સમુદાય કડીરૂપ
અન્ય ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે ભારતીય સમુદાયના મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીને સાંભળવા માટે એકત્ર થયા હતા. આ પ્રસંગે મોદીએ કહ્યું હતું, ‘ભારતીય સમુદાય ભારત અને યુગાન્ડા વચ્ચેની આર્થિક અને સાંસ્કૃતિક કડીને રજૂ કરે છે.' તેમણે કહ્યું હતું કે ભારતને આફ્રિકા સાથે અત્યંત મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો છે, જેને વધુ સુદૃઢ કરવા માટે ભારત આતુર છે.
યુગાન્ડા માટે પાંચ ‘એફ’
યુગાન્ડાને વિકાસ પંથે દોરી જવા માટે વડા પ્રધાન મોદીએ પાંચ ‘એફ’નું સૂત્ર આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ દેશને વિકાસના પંથે હરણફાળ ભરતો કરવો હોય તો ફાર્મ, ફાઇબર, ફેબ્રિક, ફેશન અને ફોરેન પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે.
હસતા હસતાં ગંભીર રજૂઆત
મોદીએ ભારતની મશીનરી મોંઘી હોવા પાછળનો તર્ક સમજાવવા યુગાન્ડાની સંસદમાં એક જોક કહ્યો હતો. એક બસસ્ટેન્ડ પર કેટલાક ગરીબ છોકરાં હાથ પંખા વેચી રહ્યાં હતાં. તેમાંથી એક છોકરો એક રૂપિયામાં, બીજો આઠ આનામાં અને ત્રીજો ચાર આનામાં પંખો વેચતો હતો. એક ભાઈએ ચાર આનાનો પંખો લીધો. થોડી વાર હલાવતાં જ પંખો તૂટી ગયો. તેણે પંખો વેચનાર છોકરાને પકડ્યો તો એ છોકરો બોલ્યો કે મેં તમને પંખો હલાવવાનું થોડું કહ્યું હતું? તમારે પંખો નહીં, માથું હલાવવાનું હતું. આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે બની શકે કે શરૂઆતમાં કોઇ વસ્તુ મોંઘી હોય પણ તે લાંબા સમય સુધી ચાલશે, પરંતુ સસ્તી વસ્તુ ખરીદશો તો તે બગડશે પણ જલ્દી અને તેને સારી કરાવવા જતાં સરવાળે મોંઘી પડશે કેમ કે તેને ઠીક કરનારો પણ તે જ દેશનો શોધવો પડશે.
ડિજિટલ ક્ષેત્રે રોકાણથી વિકાસ શક્ય
વડા પ્રધાન મોદી આફ્રિકા પ્રવાસના અંતિમ દિવસ બુધવાર - ૨૫ જુલાઇએ જોહાનિસબર્ગમાં યોજાયેલા ‘બ્રિક્સ’ સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ બેઠકમાં વ્યાપાર, એનર્જી, સંરક્ષણ, પર્યટન પર વધુ ચર્ચા થઇ હતી. ‘બ્રિક્સ’ એ ભારત, ચીન, રશિયા, બ્રાઝીલ અને આફ્રિકાનું એક સંગઠન છે. જે અવારનવાર સમિટ યોજીને સંગઠનને મજબુત બનાવવા માટે સહમત થાય છે.
સમિટના બીજા દિવસે ‘બ્રિક્સ’ના આઉટરીચ સેશનને સંબોધતા મોદીએ ડિજિટલ રિવોલ્યૂશન પર ભાર મુક્યો હતો. મોદીએ સાથે વધુમાં વધુ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ટર ઉભુ કરવા પર પણ ધ્યાન આપવા અપીલ કરી હતી. તેઓએ આફ્રિકન દેશોની મુલાકાત લીધી તેને લઇને પણ પોતાની વાત રજૂ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આફ્રિકા અને ભારતનો વ્યાપાર દિવસેને દિવસે વધી રહ્યો છે. ૧૧ બિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટનો વ્યાપ આફ્રિકાના ૪૦ દેશો સુધી પહોંચી ગયો છે. આફ્રિકન દેશો દ્વારા થતા વિકાસને ભારત આવકારે છે.
મજબૂત સંબંધો માટે જિનપિંગની ખાતરી
‘બ્રિક્સ’ સમિટ દરમિયાન મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે બેઠક યોજાઇ હતી. મોદી અને જિનપિંગ વચ્ચે ત્રણ માસમાં આ ત્રીજી મુલાકાત હતી. બેઠક બાદ બન્ને નેતાઓએ નિવેદન જારી કર્યા હતા. પ્રમુખ જિનપિંગે જણાવ્યું હતું કે ચીન ભારત સાથે દ્વીપક્ષીય ચર્ચા કરવા માટે તૈયાર છે. આ સાથે જ ચીને જાહેરાત કરી હતી તે આવતા મહિને ચીનના સંરક્ષણ પ્રધાન ભારતની મુલાકાત લેશે, જે દરમિયાન બન્ને દેશ વચ્ચે સંરક્ષણ મુદ્દે વાતચીત થશે. વડા પ્રધાન મોદીએ પ્રમુખ જિનપિંગને જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબુત બનાવવા નિયમિતપણે વાટાઘાટો અને ચર્ચા જરૂરી છે. જે પણ મુશ્કેલીઓ હોય કે મુદ્દાઓ હોય તેને લઇને યોગ્ય સલાહ સુચનો પણ કરવા શક્ય છે. હાલ ચીન સાથે મારી જે પણ મુલાકાતો થઇ તે બન્ને દેશોના સંબંધોને વધુ મજબુત બનાવવામા મદદરુપ થશે. જિનપિંગે કહ્યું હતું કે ચીન ભારતની સાથે દરેક મુદ્દે વાતચીત કરવા માટે તૈયાર છે.
રશિયા ભારતનું મિત્ર
‘બ્રિક્સ’ બેઠકની સમાંતરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ જિનપિંગ ઉપરાંત રશિયાના પ્રમુખ પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. મોદી અને પુતિન વચ્ચે આ ત્રીજી મુલાકાત હતી. મોદીએ જણાવ્યું હતું કે રશિયાના પ્રમુખ સાથેની મારી મુલાકાત ઘણી જ સકારાત્મક રહી છે. આ પહેલા મોદી અને પુતિન વચ્ચે મે માસમાં રશિયાના સોચીમાં મુલાકાત યોજાઇ હતી. જે દરમિયાન પણ બન્ને દેશના વડાઓએ વ્યાપારથી લઇને સંરક્ષણ સોદા અંગે ચર્ચા કરી હતી. મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે રશિયા સાથેની ભારતની મિત્રતા ઘણી જ મહત્વપૂર્ણ બની ગઇ છે. અને આ મિત્રતા દિવસે ને દિવસે વધુ મજબુત બની રહી છે. બન્ને દેશોના આ સંબંધો આવનારા દિવસોમાં પણ આ જ રીતે એકબીજાને મદદરૂપ થતા રહેશે.
કમ્પાલામાં સરદાર પટેલની અર્ધપ્રતિમાનું અનાવરણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ ભારતના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભબાઈ પટેલની અર્ધપ્રતિમાનું ભારતીય સમુદાયના એક સમારોહમાં અનાવરણ કર્યું હતું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘લોહપુરુષ'ને સલામ! વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુગાન્ડાના રાષ્ટ્રપ્રમુખ મુસેવેનીએ ભારતીય સમુદાયના કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલની અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેમણે આ અંગેની બે તસવીરો પણ ટ્વીટર પર પોસ્ટ કરી હતી. એક તસવીરમાં વડા પ્રધાન મોદી સરદાર પટેલની અર્ધપ્રતિમા સમક્ષ નતમસ્તક ઊભેલા નજરે પડે છે.
આફ્રિકા સાથે સહકારના મોદી મુદ્દા
• આફ્રિકાના દેશોને ટોચની પ્રાથમિકતા • પ્રાથમિકતાના આધારે ડેવલપમેન્ટ પાર્ટનરશિપ • ભારત આફ્રિકી ઉત્પાદનો માટે ખુલ્લાં બજાર • આફ્રિકાના વિકાસ માટે ભારતની ડિજિટલ ક્ષેત્રમાં સહાય • આફ્રિકામાં કૃષિ વિકાસ માટે સહકાર • ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રમાં ભાગીદારી • આતંકવાદ અને કટ્ટરવાદ સામેની લડાઇમાં સહકાર • આફ્રિકાના દેશો માટે જળસીમાઓ ખુલ્લી રખાશે • લોકતાંત્રિક વૈશ્વિક વ્યવસ્થા માટે સાથે મળી કામ કરાશે