લંડન
યુગાન્ડાની સરકારે દેશમાં લદાયેલા ઇબોલા સંબંધિત તમામ નિયંત્રણો હટાવી લીધાં છે. યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવિનીએ શનિવારે જાહેરાત કરી હતી કે ઇબોલા મહામારીને અટકાવવામાં દેશે મોટી સફળતા હાંસલ કરી છે. સરકારે ઇબોલા મહામારીને સંબંધિત અવરજવરના તમામ પ્રકારના નિયંત્રણો હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. ઇબોલા મહામારીના એપી સેન્ટર એવા મુબેન્ડે અને કસ્સાન્ડામાંથી પણ તમામ પ્રકારના નિયંત્રણો હટાવી લેવામાં આવ્યાં છે. મુબેન્ડેમાં ઇબોલાના કારણે 29 અને કસ્સાન્ડામાં 21 દર્દીના મોત થયાં હતાં.
યુગાન્ડામાં ઇબોલાનો રોગચાળો સપ્ટેમ્બર 2022માં ફાટી નીકળ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇબોલાના સુદાન સ્ટ્રેનના કારણે દેશમાં મહામારી ફેલાઇ હતી. આ સ્ટ્રેન 40થી 60 ટકા દર્દીઓના મોત નિપજાવવામાં સક્ષમ છે. અત્યાર સુધી આ સ્ટ્રેનની કોઇ રસી પણ શોધાઇ નહોતી.
ઓક્ટોબરમાં કમ્પાલાની સરકારે નાઇટ કરફ્યુ સહિત ટ્રાવેલિંગ પર નિયંત્રણો લાદી દીધાં હતાં. તે ઉપરાંત ચર્ચ, મસ્જિદો અને મનોરંજનના જાહેર સ્થળો પણ બંધ કરાવી દેવાયાં હતાં. ડિસેમ્બરના પ્રારંભમાં ઇબોલાના છેલ્લા દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનો દાવો સરકાર દ્વારા કરાયો હતો.
તાજેતરમાં જ યુગાન્ડા સરકાર દ્વારા દેશમાં ઇબોલાની રસી આપવાના અભિયાનની શરૂઆત કરાઇ હતી. હાલ દેશભરમાં ઇબોલાની રસી આપવાનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે.