લંડન
યુગાન્ડા એપ્રિલ 2025થી પોતાના ક્રુડ ઓઇલ રિઝર્વમાંથી વ્યાપારિક ધોરણે ઉત્પાદનનો પ્રારંભ કરશે. ક્રુડ ઓઇલની નિકાસ માટેની પાઇપલાઇનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે ચીન યુગાન્ડાને આર્થિક સહાય આપવાની વિચારણા કરી રહ્યો છે. આ પહેલાં પણ યુગાન્ડાના સત્તાવાળાઓએ વર્ષ 2025થી ક્રુડ ઓઇલનું વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન શરૂ કરવાના સંકેત આપ્યાં હતાં પરંતુ આ વખતે તેમણે ચોક્કસ મહિનાનો પણ ઉલ્લેખ કર્યો છે.
અબુધાબી ખાતે આયોજિત કોન્ફરન્સમાં યુગાન્ડાના એનર્જી મિનિસ્ટર રૂથ નાન્કાબિર્વા સેન્તામુએ જણાવ્યું હતું કે, મને આશા છે કે એપ્રિલ 2025માં અમે ક્રુડનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરી શકીશું. ક્રુડની નિકાસ માટેની પાઇપલાઇન માટે યુગાન્ડા અને પાડોશી તાન્ઝાનિયા સાથે મળીને કામ કરી રહ્યાં છે અને અમે ઝડપથી તે માટે ભંડોળ પણ એકઠું કરીશું. આ માટે તાન્ઝાનિયાના પ્રમુખ સામિયા સુલુહુ હસન ટૂંકસમયમાં ચીનની મુલાકાત લેશે. અમને વિશ્વાસ છે કે અમારા પ્રોજેક્ટ માટે ભંડોળ ઉપલબ્ધ થઇ જશે.
તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે આર્થિક મદદ કરવા ચીન હંમેશાથી તૈયાર છે. અમે યુરોપ અને અમેરિકાને પણ યુગાન્ડામાં મૂડીરોકાણ કરવા આમંત્રણ આપીએ છીએ. યુગાન્ડાના પશ્ચિમી વિસ્તારમાં ક્રુડ ઓઇલના ભંડાર મળી આવ્યાં છે. યુગાન્ડાની ટોટલ એનર્જીઝ અને ચીનની નેશનલ ઓફશોર ઓઇલ કોર્પોરેશન આ પ્રોજેક્ટમાં ભાગીદારી કરી રહી છે.