યુગાન્ડા ઓઈલ પાઈપલાઈન પ્રોજેક્ટનો વિરોધ

Wednesday 19th October 2022 06:31 EDT
 
 

 કમ્પાલાઃ યુગાન્ડાના તેલક્ષેત્રોને વિકસાવવા ફ્રેન્ચ ઓઈલ જાયન્ટ ટોટલએનર્જીઝ (TotalEnergies) અને ચાઈના નેશનલ ઓફશોર ઓઈલ કોર્પોરેશન (CNOOC)ને સાંકળતા વિવાદાસ્પદ પ્રોજેક્ટ સામે વિરોધ વધી રહ્યો છે. બે પર્યાવરણીય NGOના અહેવાલમાં સંભવિત અસ્વીકાર્ય નુકસાનની ચેતવણી અપાઈ છે. પ્રોજેક્ટના વિરોધમાં વિપક્ષી નેતા બોબી વાઈન પણ જોડાયા છે.

ફ્રાન્સ અને ચીનની બે કંપનીએ આ વર્ષની શરૂઆતમાં 10 બિલિયન ડોલરથી વધુના ખર્ચે પશ્ચિમ યુગાન્ડાના 1.4 બિલિયન બેરલ્સથી વધુ અનામત ધરાવતા તેલક્ષેત્રોને વિકસાવવા અને ક્રુડની નિકાસ કરવા હિન્દ મહાસાગરમાં આવેલા ટાન્ઝાનિયાના પોર્ટ ટાન્ગા સુધી 1,445 કિલોમીટર લાંબી પાઈપલાઈન બિછાવવાનો કરાર કર્યો છે. કેમ્પેઈનર ફોર ફ્રેન્ડ્સ ઓફ અર્થ ફ્રાન્સના રિપોર્ટમાં જણાવાયું છે કે 1,400 કિલોમીટરથી વધુ લંબાઈની પાઈપલાઈન વિશ્વમાં સૌથી લાંબી અને ગરમ પાઈપલાઈન બની રહેશે તેવો દાવો કરાયો છે. સૌથી ગરમ એટલા માટે કે યુગાન્ડાનું ઓઈલ ચીકણું રગડા જેવું છે અને તેને પાઈપલાઈનમાં સહેલાઈથી પ્રવાહિત રાખવા માટે 50 ડીગ્રી સુધી ભારે ગરમી આપવી પડશે. આની પર્યાવરણ પર ખરાબ અસર થશે.

રિપોર્ટમાં જણાવાયું છે કે આ પાઈપલાઈનના કારણે દર વર્ષે 34 મિલિયન યન જેટલો કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણમાં છૂટશે જે યુગાન્ડા અને ટાન્ઝાનિયાના સંયુક્ત ગ્રીનહાઉસ ગેસીસના એમિશનથી પણ વધી જશે. ઓઈલ ડ્રીલિંગ કરાવાનું છે તેવા લેઈક વિક્ટોરિયા અને લેઈક આલ્બર્ટ સ્થળો નાઈલ નદીના સ્રોત છે આથી, તેની અસરો યુગાન્ડા અને ટાન્ઝાનિયાથી પણ દૂર સુધી થશે.

દરમિયાન, યુગાન્ડાના વિપક્ષી નેતા બોબી વાઈન પણ વિવાદાસ્પદ પાઈપલાઈન પ્રોજેક્ટના વિરોધમાં જોડાઈ ગયા છે. વાઈન 2021માં પ્રેસિડેન્ટની ચૂંટણી લડ્યા હતા અને ઈસ્ટ આફ્રિકન ક્રુડ ઓઈલ પાઈપલાઈનનો વિરોધ કરનારા સૌથી અગ્રેસર અવાજ બની રહ્યા છે જેઓ પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીના લાંબા શાસન માટે મુશ્કેલી સર્જી શકે તેમ છે.

યુરોપિયન યુનિયન પાર્લામેન્ટે ગયા મહિને પસાર કરેલા ઠરાવમાં જણાવ્યું છે કે પાઈપલાઈનના કારણે 100,000 થી વધુ લોકો વિસ્થાપિત થવાનું જોખમ છે. માનવાધિકાર ઉલ્લંઘન, યોગ્ય વળતર અને પર્યાવરણીય નુકસાન સહિતને ધ્યાનમાં લઈ ઓછામાં ઓછું એક વર્ષ પાઈપલાઈનનું કામકાજ અટકાવી દેવા ટોટલએનર્જીઝને અપીલ કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter