કમ્પાલાઃ યુગાન્ડાના ક્રુડ ઓઈલની આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ કરી શકાય તે માટે સૂચિત ઓઈલ પાઈપલાઈનથી પર્યાવરણને નુકસાન થવા સાથે જમીનોના વિલંબિત અથવા અપૂરતા વળતરના કારણે હજારો લોકોના જીવનનિર્વાહની કટોકટી સર્જાઈ હોવાની ચેતવણી હ્યુમન રાઈટ્સ વોચ (HRW) સંસ્થાએ આપી છે. સંસ્થાએ જણાવ્યું હતું કે ફ્રાન્સની ટોટલએનર્જીસ કંપની 62 ટકાનો હિસ્સો ધરાવે છે તેવો આ પ્રોજેક્ટ પૃથ્વી માટે આફત પુરવાર થશે કારણકે તેનાથી ક્લાઈમેટ ચેઈન્જને વધારતા અસંખ્ય એમિશન્સનો ઉમેરો થશે.
આ વર્ષની શરૂઆતથી 3.5 બિલિયન ડોલરના ખર્ચ સાથેની ઈસ્ટ આફ્રિકન ક્રુડ ઓઈલ પાઈપલાઈન (EACOP)નું પ્રાથમિક ગ્રાઉન્ડ વર્ક શરૂ થયું છે અને 2025માં કાર્ય પૂર્ણ થવાની ધારણા છે. આ 1445 કિલોમીટર (898 માઈલ) લાંબી પાઈપલાઈન યુગાન્ડાના તેલક્ષેત્રોથી ટાન્ઝાનિયામાં પસાર થઈ ભારતીય મહાસાગરના ટાન્ગા સીપોર્ટ સુધી પહોંચશે.
HRWએ જણાવ્યું છે કે પરિવારોને ખોરાક પૂરો પાડતી તેમજ બાળકોને શાળાએ મોકલવાની આવક આપતી જમીનો ગુમાવનારા હજારો વિસ્થાપિત લોકોને ટોટલએનર્જીસ કંપની તરફથી અપૂરતું વળતર અપાયું છે અને તેમાં પણ ભારે વિલંબ થઈ રહ્યો છે. સંસ્થાએ યુગાન્ડાના 5 ડિસ્ટ્રિક્ટ્સના 75 વિસ્થાપિત પરિવારો સહિત 90થી વધુ પરિવારોના ઈન્ટરવ્યૂઝ લીધા છે. બીજી તરફ. ટોટલએનર્જીસના પ્રવક્તાએ જણાવ્યું છે કે કંપની અને તેના પાર્ટનર્સ અસરગ્રસ્ત લોકોના અધિકારોના તેમજ પ્રોજેક્ટના કારણે પર્યાવરણીય અને બાયોડાઈવર્સિટી અસરોના નિવારણ માટે પ્રતિબદ્ધ છે. પ્રોજેક્ટથી અસરગ્રસ્ત લગભગ દરેકને વળતર આપી દેવાયું છે. દરમિયાન, યુગાન્ડામાં લાંબા સમયથી શાસન કરતા પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ આ પ્રોજેક્ટને સંપૂર્ણ બહાલી આપવા સાથે સ્પષ્ટ કર્યું છે , ‘મારા ઓઈલ સાથે કોઈને રમત રમવા નહિ દેવાય.’