કમ્પાલાઃ યુગાન્ડામાં તેલક્ષેત્રો નજીક હોઈમાની કોર્ટે 42 પરિવારો દ્વારા અપૂરતા વળતરના દાવા સાથે ફ્રાન્સની ટોટલએનર્જીઝ કંપની વિરુદ્ધના કાનૂની દાવાને ફગાવી દીધો છે. આ પરિવારોએ દાવો કર્યો હતો કે યુગાન્ડાના મેગા ઓઈલ પ્રોજેક્ટના વિકાસ માટે તેમની જમીનો સંપાદિત કરાઈ હતી તે માટે તેમને અયોગ્યપણે અપૂરતું વળતર ચૂકવાયું હતું.
ગામવાસીઓના કાનૂની ખર્ચા ચૂકવી રહેલીસંસ્થા ટાશા આફ્રિકા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના કર્મશીલે જણાવ્યું હતું કે કોર્ટનો ચુકાદો મિનિસ્ટ્રી ઓફ એનર્જી એન્ડ મિનરલ ડેવલપમેન્ટની તરફેણમાં અપાયો છે અને વધુ વળતરનું કોઈ આયોજન નથી. એક અરજદારે ચુકાદાને ભારે આઘાત સમાન ગણાવ્યો હતો. અરજદાર પરિવારો ગરીબ અને નિરક્ષર લોકો છે જેમની પાસે કોર્ટમાં પહોંચવાના નાણા પણ ન હતા. માત્ર 12 અરજદાર કોર્ટમાં પહોંચ્યા હતા.
યુગાન્ડા, ટાન્ઝાનિયા સાથે 10 બિલિયન ડોલરનું રોકાણ કરનારા ફ્રેન્ચ ગ્રૂપ ટોટલએનર્જીઝ અને ચીનની કંપની CNOOC દ્વારા પશ્ચિમ યુગાન્ડામાં 419 તેલકૂવાના ડ્રિલિંગ તેમજ તેમને ટાન્ઝાનિયાના કાંઠા સુધી જોડવા 1443 કિ.મી. લાંબી પાઈપલાઈન લગાવવાની સમજૂતી કરાઈ છે.
અગાઉ, ફેબ્રુઆરીમાં ફ્રેન્ચ કોર્ટે ટોટલએનર્જીઝના પર્યાવરણવિરોધી અને માનવાધિકારોના ઉલ્લંઘન ધરાવતા વિવાદાસ્પદ પ્રોજેક્ટને અટકાવી દેવાની યુગાન્ડાની અને અન્ય NGO દ્વારા કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. આ સંદર્ભે સ્વૈચ્છિક સંસ્થાઓ ચુકાદા વિરુદ્ધ અપીલ કરવાની પેરવી કરી રહી છે. ફ્રાન્સમાં આ પ્રકારનો પ્રથમ કેસ હતો.