કમ્પાલાઃ યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં ફ્રીડમ સિટી મોલમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ થયેલી ભાગદોડમાં 10 લોકોના મોત થયા સબબે કોન્સર્ટના મ્યુઝિક પ્રમોટર એબી મુસિન્ગુઝી સામે ઘોર બેદરકારીનો આરોપ લગાવાયો છે. એબિટેક્સ તરીકે પણ જાણીતા મ્યુઝિક પ્રમોટરની સોમવાર 2 જાન્યુઆરીએ ધરપકડ કરાઈ હતી. તેને ત્રીજી જાન્યુઆરી મંગળવારે માકિન્ડ્યે ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. એબિટેક્સે આરોપો નકાર્યા પછી તેને લુઝિરા જેલમાં રિમાન્ડ અપાયા હતા.
દરમિયાન, પ્રેસિડેન્ટ મુસેવેનીએ મૃતકોની દફનવિધિ સારી રીતે થઈ શકે તે માટે પ્રતિ મૃતક 5 મિલિયન શિલિંગ (1,338 યુએસ ડોલર)ની મદદ આપવાનો આદેશ આપ્યો છે. વાઈસ પ્રેસિડેન્ટ જેસ્સિકા અલુપોએ ઘટનાસ્થળની મુલાકાત લીધા પછી આ જાહેરાત કરી હતી. તેમણે અસરગ્રસ્ત પરિવારોની ખાનગી મુલાકાત લઈ પ્રમુખ મુસેવેની વતી દિલસોજી પણ વ્યક્ત કરી હતી.
પ્રોસીક્યુટરે આક્ષેપ લગાવ્યો હતો કે 52 વર્ષીય મ્યુઝિક પ્રમોટર એબી મુસિન્ગુઝીએ ફ્રીડમ સિટી મોલમાં આયોજિત કોન્સર્ટના સ્થળે અન્ય દરવાજા બંધ કરાવી દીધા હતા અને 20,000થી વધુ લોકો માટે બહાર જવા માત્ર એક જ દરવાજો ખુલ્લો રાખ્યો હતો. આના પરિણામે ભાગદોડ મચી હતી.
જોકે, મુસિન્ગુઝીના વકીલે જણાવ્યું હતું કે તેમનો ક્લાયન્ટ વિરોઝપક્ષ નેશનલ યુનિટી પ્લેટફોર્મના નેતા બોબી વાઈનના જાણીતા સમર્થક હોવાથી તેમને નિશાન બનાવાઈ રહ્યા છે. દરમિયાન, પોલીસે આ જીવલેણ ઘટના સંદર્ભે નિવેદનો નોં‘ધવા બિલ્ડિંગના માલિક સહિત અનેક લોકોને બોલાવ્યા હતા.