કમ્પાલાઃ બાળ તસ્કરીનો આરોપ ધરાવતા અમેરિકી દંપતી નિકોલસ સ્પેન્સર અને મેકેન્ઝી લેઈહ સ્પેન્સરને યુગાન્ડાની કોર્ટે વધુ બે સપ્તાહના રિમાન્ડ પર સોંપ્યા છે. જો તેમની સામે અપરાધ સાબિત થશે તો તેમને આજીવન કેદની સજા થવાની શક્યતા છે. તેમની સામેના કેસની સુનાવણી 2 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે. આ પછી કેસ હાઈ કોર્ટ સમક્ષ મૂકાશે.
સ્પેન્સર દંપતીએ 2020થી 2022ના ગાળામાં 10 વર્ષના બાળકને વસ્ત્રો વિના નાના ઠંડા રૂમમા પૂરી રાખ્યો હતો તેમ સરકારી પ્રોસીક્યુશન સર્વિસ દ્વારા ડિસેમ્બર 2022ના કેસમાં રજૂ કરાયેલા ચાર્જશીટમાં જણાવાયું હતું. યુએસસ્થિત નોન-પ્રોફિટ સંસ્થામાં કામ કરતા આ દંપતીએ 2017માં યુગાન્ડાના જિન્જા શહેરમાં વોલન્ટીઅરની કામગીરી સ્વીકારી હતી અને તે પછી કમ્પાલાના સબર્બ નાગુરુમાં સ્ટાર્ટ અપ સ્થાપ્યું હતું. દંપતીએ ત્રણ બાળકને દત્તક લીધાં હતાં અને તેમાંથી એક બાળક સાથે અત્યાચાર સાથે દુર્વ્યવહાર કર્યાનો આરોપ મૂકાયો છે.
દંપતીના વકીલ ડેવિડ મ્પાન્ગાએ જણાવ્યું હતું કે તેમના ક્લાયન્ટ વિરુદ્ધ ચાઈલ્ડ ટ્રાફિકિંગ અને અત્યાચારના ગુના મૂકાયા છે. ચાઈલ્ડ ટ્રાફિકિંગનો કેસ માત્ર હાઈ કોર્ટમાં જ ચાલી શકે છે. આથી, યુગાન્ડાની કોર્ટે પ્રોસીક્યુશન દ્વારા તપાસની પ્રગતિ પર ધ્યાન આપ્યું છે અને 2 ફેબ્રુઆરીની સુનાવણીમાં પ્રોસીક્યુશનનો કેસ હાઈ કોર્ટમાં જવા માટે તૈયાર છે તેના વિશે નિર્ણય લેવાશે.